ગાંધીધામના ટાગોર રોડ પર આવેલા રોટરી સર્કલ પાસે સર્જાયેલા ગમખ્વાર અકસ્માત મામલે પૂર્વ કચ્છ પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. બે નિર્દોષ યુવાનોનો ભોગ લેનારા "રફ્તારના રાક્ષસો" ને ઝડપી પાડ્યા બાદ, પોલીસે આજે તેમને ઘટનાસ્થળે લઈ જઈ અકસ્માતનું રિકન્સ્ટ્રક્શન (ઘટનાનું પુનરાવર્તન) કરાવ્યું હતું. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે અકસ્માત સમયે કાર મુખ્ય આરોપી નીતિન ગોસ્વામી ચલાવી રહ્યો હતો.
નીતિન ગોસ્વામી ચલાવી રહ્યો હતો કાર
તેની બેફામ ગતિએ ચાલતી કારે એક્ટિવા સવાર યુવાનોને એવી જોરદાર ટક્કર મારી હતી કે બે લોકોના કરુણ મોત નીપજ્યા હતા. પોલીસે આ મામલે નીતિન ઉપરાંત તેની સાથે કારમાં સવાર અન્ય ત્રણ શખ્સો - દીપક ધુલાણી, તરુણ રીજવાણી અને મનિષ ખેમચંદાણીને પણ સ્થળ પર લાવી તપાસ હાથ ધરી હતી. પૂર્વ કચ્છ પોલીસની ટીમે ચારેય આરોપીઓને રોટરી સર્કલ પાસે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે લઈ જઈને અકસ્માત કેવી રીતે સર્જાયો, કારની ગતિ કેટલી હતી અને ટક્કર બાદ આરોપીઓ કઈ દિશામાં ભાગ્યા હતા તે અંગેની વિગતો મેળવી હતી.













