ગાંધીધામ શહેરમાં નગરપાલિકા તંત્ર દ્વારા ગેરકાયદે દબાણો વિરુદ્ધ કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. લાંબા સમયથી રસ્તાઓ અને જાહેર જમીનો પર થયેલા દબાણોને કારણે સર્જાતી ટ્રાફિક અને અન્ય સમસ્યાઓના ઉકેલ માટે પાલિકાએ આજે ભારતનગર વિસ્તારમાં 'દબાણ હટાવો' ઝુંબેશ હાથ ધરી હતી.
ગેરકાયદે દબાણો વિરુદ્ધ કાર્યવાહી
ગાંધીધામ નગરપાલિકાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે ભારતનગરના 9B વિસ્તારમાં ત્રાટકી હતી. અહીં જાહેર માર્ગો અને સરકારી જમીન પર ઉભા કરી દેવાયેલા ગેરકાયદે ઓટલા, કેબિનો અને અન્ય કાચા-પાકા બાંધકામો પર પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું હતું. પાલિકાની આ આક્રમક કામગીરીને જોઈને દબાણકર્તાઓમાં ભારે નાસભાગ અને ફફરાટનો માહોલ જોવા મળ્યો હતો.










