ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ફાયર સ્ટેશન નજીક એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી, જેમાં અંદાજે બે વર્ષનું એક માસૂમ બાળક અચાનક ખુલ્લી ગટરમાં ખાબક્યું હતું. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી યુદ્ધના ધોરણે ઓપરેશન હાથ ધરી બાળકને હેમખેમ બહાર કાઢ્યું હતું.
બે વર્ષનું બાળક ખુલ્લી ગટરમાં ખાબક્યું
મળતી માહિતી મુજબ, ગાંધીનગરના ગિફ્ટ સિટી વિસ્તારમાં આવેલ ફાયર સ્ટેશનની આસપાસના વિસ્તારમાં આ અકસ્માત સર્જાયો હતો. રમતા-રમતા આ બે વર્ષનું બાળક અચાનક ખુલ્લી ગટર (જે બોરવેલ જેવી ઊંડી હોવાનું પણ કહેવાય છે) માં પડી ગયું હતું. બાળકના પડવાના અવાજ અને બૂમાબૂમ થતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તુરંત ફાયર બ્રિગેડને જાણ કરી હતી.
ફાયર વિભાગની સજાગતા અને રેસ્ક્યું
કોલ મળતાની સાથે જ ગિફ્ટ સિટી ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે રવાના થઈ હતી. બાળકની સ્થિતિ ગંભીર હોવાની ભીતિ વચ્ચે ફાયર ફાઈટરોએ સતર્કતા દાખવી રેસ્ક્યું ઓપરેશન શરૂ કર્યું હતું. ભારે જહેમત બાદ ફાયર વિભાગના જવાનોએ બાળકને સુરક્ષિત રીતે ગટરમાંથી બહાર કાઢી લીધું હતું. બાળક જીવિત હોવાનું જણાતા ત્યાં હાજર સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.
તબીબો દ્વારા બાળકની સારવાર
બાળકને બહાર કાઢ્યા બાદ તેની પ્રાથમિક સ્થિતિ તપાસી તુરંત જ 108 ઈમરજન્સી સેવા મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. હાલ તબીબો દ્વારા બાળકની સારવાર કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:સોનામાં રોકાણના બહાને 69.76 લાખની ઠગાઈ, કંબોડિયા કનેક્શન ધરાવતી ભાઈ-બહેનની જોડી ઝડપાઈ