ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા સર્વ શિક્ષા અભિયાનના પૂર્વ સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસર નિપુણ ચોક્સી વિરુદ્ધ આવક કરતાં વધુ સંપત્તિનો ગુનો નોંધવામાં આવ્યો છે. ACBની પ્રાથમિક તપાસમાં નિપુણ ચોક્સી પાસે તેમની કાયદેસરની આવક કરતાં 62 ટકા જેટલી વધુ મિલકત મળી આવી છે. નિપુણ ચોક્સી વર્ષ 2021માં લાંચ લેતા રંગે હાથે ઝડપાયા હતા. તે સમયે તેમની સામે તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં તેમની અપ્રમાણસર સંપત્તિનો મોટો પર્દાફાશ થયો હતો.
ત્રણ લોકરમાંથી નીકળ્યા કરોડો
ACB ની તપાસ દરમિયાન આરોપીના ત્રણ લોકરો ખોલવામાં આવ્યા હતા, જેમાંથી રોકડના ઢગલા મળ્યા હતા. ચોક્કસ આંકડા મુજબ, આ લોકરોમાંથી કુલ રૂ. 2.75 કરોડની રોકડ મળી આવી હતી, જેણે ભ્રષ્ટાચારના સ્તરને સ્પષ્ટ કર્યો હતો. આવક કરતાં વધુ સંપત્તિનો કેસ નોંધાયા બાદ ACBની ટીમે જ્યારે નિપુણ ચોક્સીના નિવાસસ્થાને તપાસ માટે પહોંચી, ત્યારે જાણવા મળ્યું કે તેમનું નિવાસસ્થાન ખાલી હતું. બપોર બાદથી જ આરોપીના પરિવારના સભ્યો ગેરહાજર હોવાનું માલૂમ પડ્યું હતું. ACB દ્વારા હવે આ કેસમાં કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, અને આરોપી તથા તેના પરિવારના સભ્યોની ગેરહાજરીના કારણોની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
