રાજ્યના પાટનગર ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) દ્વારા એક સફળ ઓપરેશન પાર પાડીને વર્ગ-2 કક્ષાના મોટા અધિકારીને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. ગાંધીનગરના ઉદ્યોગ ભવનમાં આસિસ્ટન્ટ ઈલેક્ટ્રિકલ ઈન્સપેક્ટર (વર્ગ-2) તરીકે ફરજ બજાવતા મનીષકુમાર રાવલ નામના અધિકારી ઘ-2 સર્કલ પાસે જાહેર રોડ પરથી લાંચ સ્વીકારતા એસીબીના સકંજામાં આવી ગયા છે. આ હાઈપ્રોફાઈલ ટ્રેપને અમદાવાદ શહેર એસીબીની ટીમે સફળતાપૂર્વક અંજામ આપ્યો છે.

NOC ઇશ્યુ કરવા અને પ્રમાણપત્ર માન્ય રાખવા માગી હતી લાંચ

ઘટનાની મળતી માહિતી અનુસાર, પેસિવ ફાયર સિસ્ટમના પ્રમાણપત્રને માન્ય રાખવા અને તે અંગેનું એનઓસી (NOC) ઈશ્યુ કરવા માટે અધિકારી મનીષકુમાર રાવલે ફરિયાદી પાસે રૂપિયા 5 લાખની મસમોટી લાંચની માંગણી કરી હતી. ફરિયાદી આટલી મોટી રકમ એકસાથે આપવા સક્ષમ ન હોવાથી, તેમણે હપ્તાવાર (ઈન્સ્ટોલમેન્ટમાં) રકમ ચૂકવવાનો સોદો કર્યો હતો. જોકે, ફરિયાદી લાંચ આપવા ન માંગતા હોવાથી તેમણે આ અંગે અમદાવાદ એસીબીનો સંપર્ક કર્યો હતો.

ઘ-2 સર્કલ પાસે રૂ. 50 હજારનો હપ્તો લેતા ધરપકડ

ફરિયાદીની વિગતોના આધારે એસીબીની ટીમે ગાંધીનગરના ઘ-2 સર્કલ પાસે એક ખાસ છટકું (ACB Trap) ગોઠવ્યું હતું. સોદા મુજબ જ્યારે ફરિયાદી લાંચની રકમનો પહેલો હપ્તો એટલે કે રૂ. 50 હજાર આપવા પહોંચ્યા અને અધિકારી મનીષકુમાર રાવલે એ રકમ સ્વીકારી, ત્યારે જ ટાંપીને બેઠેલી એસીબીની ટીમે તેમને જાહેર રોડ પરથી જ રંગેહાથ દબોચી લીધા હતા. એસીબીએ લાંચની સ્વીકારેલી રૂ. 50 હજારની રોકડ રકમ જપ્ત કરી છે, અને ભ્રષ્ટાચારી અધિકારી વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચો - Gandhinagar : પ્રખ્યા ટેરા નોવાઝ પીઝામાંથી નીકળ્યો વંદો, GMCની ટીમે ત્રાટકીને 3 દિવસ માટે વેચાણ-ઉત્પાદન પર લગાવી રોક