ગાંધીનગરમાં ભ્રષ્ટાચાર નિરોધક બ્યુરો (ACB) એ એક મોટી સફળ ટ્રેપ કરીને સરકારી તંત્રમાં ચાલતા ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો છે. ગાંધીનગરના નાયબ મામલતદાર બિપીનચંદ્ર ખેમચંદભાઇ પરમાર અને તેમના સાથીદાર દિનેશ બુધાલાલ વાળંદ ગાંધીનગર કોર્ટના પાર્કિંગ વિસ્તારમાં એક કારની અંદર લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપાઈ ગયા છે. એસીબીએ લાંચની મસમોટી રકમ સાથે બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


પ્રથમ હપ્તા તરીકે રૂ.4.50 લાખ લેતા જ ટ્રેપ

આ કેસની વિગત મુજબ, ફરિયાદી જાગૃત નાગરિક પાસે તેમના પ્રોપર્ટી કાર્ડ સંબંધિત કામગીરી પૂર્ણ કરવા માટે આરોપીઓ દ્વારા કુલ રૂ.9.50 લાખની લાંચની માંગણી કરવામાં આવી હતી. ફરિયાદી આટલી મોટી રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીના આયોજન મુજબ, જ્યારે આરોપીઓ લાંચના પ્રથમ હપ્તા પેટે રૂ.4.50 લાખ સ્વીકારી રહ્યા હતા, ત્યારે જ એસીબીની ટીમે ત્રાટકીને તેમને રકમ સાથે દબોચી લીધા હતા.

ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ કાર્યવાહી

આ સમગ્ર ઓપરેશન એસીબીના ઉચ્ચ અધિકારીઓના સીધા માર્ગદર્શન હેઠળ પાર પાડવામાં આવ્યું હતું. લાંચ લેતા ઝડપાયેલા નાયબ મામલતદાર બિપીનચંદ્ર પરમારની સંડોવણીથી મહેસૂલ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. એસીબીએ બંને આરોપીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિરોધક અધિનિયમ હેઠળ ગુનો દાખલ કર્યો છે. હવે પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ અગાઉ પણ આરોપીઓએ અન્ય કેટલા પ્રોપર્ટી કાર્ડ કે ફાઈલો ક્લિયર કરવા માટે નાણાં પડાવ્યા છે અને આ નેટવર્કમાં અન્ય કોઈ મોટા માથાઓ સામેલ છે કે કેમ.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: