ગાંધીનગરમાં પાંચ દિવસ પહેલા ચાર વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરવાની હૃદયદ્રાવક ઘટનાના આરોપી રામ યાદવને આજે સેક્ટર-21 પોલીસ દ્વારા ગાંધીનગર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવા માટેની તજવીજ હાથ ધરી છે.


ગાંધીનગરમાં દુષ્કર્મના આરોપીને કોર્ટમાં રજૂ કરાયો 

ગત 15મી ડિસેમ્બરના રોજ ગાંધીનગરમાં એક શ્રમિક પરિવારની માત્ર 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ ઘટનાની ગંભીરતાને જોતા પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે 'ઓપરેશન વીરાંગના' હાથ ધર્યું હતું. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે આરોપી રામ યાદવને દબોચી લીધો હતો.

પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ અને ફાયરિંગ

આરોપી રામ યાદવને જ્યારે તપાસ માટે લઈ જવામાં આવી રહ્યો હતો, ત્યારે તેણે પોલીસ કસ્ટડીમાંથી નાસી જવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે અને આરોપીને પકડવા માટે મહિલા PI દ્વારા આત્મરક્ષણ અને ફરજ બજાવતા ફાયરિંગ કરવાની ફરજ પડી હતી.  પોલીસે કુલ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.  આરોપીને પગના ભાગે ગોળી વાગતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

કોર્ટમાં રજૂઆત અને રિમાન્ડની માંગ

આજે સેક્ટર-21 પોલીસની ટીમ દ્વારા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આરોપી રામ યાદવને ગાંધીનગર કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. પોલીસે આ ગુનાના પુરાવા એકત્ર કરવા, ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા અને આરોપીની હિસ્ટ્રી તપાસવા માટે કોર્ટ પાસે રિમાન્ડની માંગણી કરી છે.

વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ 


  • Follow us on: