રાજ્યની રાજધાની ગાંધીનગરમાં આવેલી GMERS (ધારાપુર) મેડિકલ કોલેજની હોસ્ટેલમાં અસામાજિક તત્વોનો ત્રાસ સામે આવ્યો છે. હોસ્ટેલ કેમ્પસમાં ઘૂસી આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ એક તબીબ સાથે ઉગ્ર બોલાચાલી કરી મારપીટ કરતા ચકચાર મચી ગઈ છે.


 GMERS હોસ્ટેલમાં અસામાજિક તત્વોનો આતંક

મળતી માહિતી મુજબ, ગાંધીનગર સેક્ટર-12માં આવેલી GMERS હોસ્ટેલમાં ગત રાત્રે એક ગાડીમાં ત્રણ શખ્સો ધસી આવ્યા હતા. આ અસામાજિક તત્વોએ કોઈપણ કારણ વગર ત્યાં હાજર ડોક્ટર સાથે માથાકૂટ શરૂ કરી હતી. વિવાદ વધતા ત્રણેય શખ્સોએ ડોક્ટર પર હુમલો કર્યો હતો અને માર માર્યો હતો. હુમલો કર્યા બાદ આરોપીઓ ગાડી લઈને ફરાર થઈ ગયા હતા.

તબીબો અને વિદ્યાર્થીઓમાં ભારે રોષ

આ ઘટનાને પગલે હોસ્ટેલમાં રહેતા અન્ય તબીબો અને વિદ્યાર્થીઓમાં ભારે રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ભોગ બનનાર ડોક્ટરે સમગ્ર મામલે મેડિકલ કોલેજના ડિનને લેખિત રજૂઆત કરી છે અને હોસ્ટેલ કેમ્પસમાં સુરક્ષા વ્યવસ્થા વધારવાની માંગ કરી છે. તબીબોનું કહેવું છે કે જો કેમ્પસમાં જ ડોક્ટરો સુરક્ષિત ન હોય તો ફરજ બજાવવી મુશ્કેલ છે.

પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી

બનાવની જાણ થતા જ સેક્ટર-૭ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે ડોક્ટરની ફરિયાદના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ દ્વારા હોસ્ટેલ અને આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, જેથી જે ગાડીમાં આરોપીઓ આવ્યા હતા તેના નંબરના આધારે તેમની ધરપકડ કરી શકાય.

વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ 


  • Follow us on: