નવા વર્ષના પ્રારંભે સાયબર ગુનેગારોએ લોકોને છેતરવા માટે નવો પેતરો અપનાવ્યો છે. સાયબર સેન્ટર ઓફ એક્સલન્સના SP રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું છે કે, હાલમાં નવા વર્ષની અખબારી શુભેચ્છાઓ, ગિફ્ટ વાઉચર અથવા અજાણી લિંક્સ મોકલીને લોકોના ડેટા ચોરી કરવામાં આવી રહ્યા છે. કોઈપણ અજાણી એપ્લિકેશન ડાઉનલોડ કે અપડેટ કરવાથી તમારા મોબાઈલનું સર્વેલન્સ થઈ શકે છે અને અંગત માહિતી જોખમમાં મુકાઈ શકે છે. નાગરિકોને આવી શંકાસ્પદ લિંક્સથી દૂર રહેવા અને સતર્કતા રાખવા ખાસ અપીલ કરવામાં આવી છે.
સાયબર ફ્રોડનો આંકડો ચોંકાવનારો
રાજ્યમાં સાયબર ક્રાઈમની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે માત્ર ડિસેમ્બર મહિનામાં જ ગુજરાતના લોકોએ અંદાજે રૂ. 121 કરોડ જેટલી માતબર રકમ ગુમાવી છે. જોકે, સાયબર સેલની સતર્કતાને કારણે તેમાંથી રૂ. 61 કરોડ આરોપીઓના હાથમાં જતા અટકાવી દેવામાં આવ્યા છે. અમદાવાદના એક કિસ્સામાં એક નાગરિકને 10 દિવસ સુધી 'સાયબર એરેસ્ટ' રાખી રૂ. 7.12 કરોડ પડાવવાનો પ્રયાસ થયો હતો, પરંતુ સમયસર જાણ થતા પોલીસે તેમાંથી રૂ. 7.11 કરોડ બચાવી લીધા હતા. ડિસેમ્બર 2025ના છેલ્લા કેટલાક દિવસોમાં પોલીસને પાંચ મોટા કિસ્સાઓમાં 100% રકમ બચાવવામાં જબરદસ્ત સફળતા મળી છે.













