ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાનારી ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થવાના આરે હતી ત્યારે બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં ફોર્મ ભરવાની અંતિમ તારીખમાં બે દિવસનો વધારો કરવામાં આવ્યો છે.

ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાને લઈને મહત્વનો નિર્ણય 

બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી નવી સૂચના મુજબ, હવે વિદ્યાર્થીઓ અને શાળાઓ નીચે મુજબની સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરી શકશે, વિદ્યાર્થીઓ હવે 24 ડિસેમ્બર સુધી ઓનલાઇન પરીક્ષા ફોર્મ ભરી શકશે. ફોર્મ ભર્યા બાદ તેમાં કોઈ પણ પ્રકારની ભૂલ હોય તો શાળાના આચાર્ય 26 ડિસેમ્બર સુધી ઓનલાઇન સુધારા-વધારા કરી શકશે.

વિદ્યાર્થીઓ અને વાલીઓને મોટી રાહત

સામાન્ય રીતે ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન સર્વરની સમસ્યા અથવા ટેકનિકલ કારણોસર કેટલાક વિદ્યાર્થીઓ ફોર્મ ભરવાથી વંચિત રહી જતા હોય છે. આ બાબતને ધ્યાને રાખીને શિક્ષણ બોર્ડ દ્વારા સમય મર્યાદા લંબાવવામાં આવી છે. આ બે દિવસના વધારાથી રાજ્યના હજારો વિદ્યાર્થીઓને મોટી રાહત મળી છે.

શાળાઓ માટે સૂચના

બોર્ડ દ્વારા તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને સૂચના આપવામાં આવી છે કે, નિયત સમય મર્યાદામાં તમામ પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓના ફોર્મ ભરાઈ જાય તેની તકેદારી રાખવી. ખાસ કરીને નામ, વિષય કે અન્ય વિગતોમાં કોઈ ક્ષતિ ન રહી જાય તે માટે આચાર્યોએ 26 ડિસેમ્બર સુધીમાં તમામ ડેટા વેરિફાઈ કરી લેવાનો રહેશે.


વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ