ગાંધીનગર મહા નગરપાલિકામાં આજે બોંબ ડિસ્પોઝલ અને ડોગ સ્ક્વોડની ટીમોએ સધન ચેકિંગ કર્યુ હતું. જોકે, ચેકિંગ દરમિયાન કોઇ સંદિગ્ધ ચીજવસ્તુ મળી આવી નહતી. તાજેતરમાં જ વડોદરા અને સુરત મહાનગરપાલિકામાં પણ બોંબની ધમકી ભર્યા ઇમેઇલ કરવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતની સરકારી બિલ્ડિંગોને બોંબથી ઉડાવી દેવાની ખાલીસ્તાનના નામે ઇ-મેઇલ દ્વારા ધમકીઓ મળી રહી છે. તાજેતરમાં જ સચિવાલયમાં મુખ્યમંત્રી કાર્યાલયને પણ આ પ્રકારનો ધમકીભર્યો ઇમેઇલ મળ્યો હતો. ગાંધીનગરમાં શાળાઓને બોંબથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઇમેઇલથી શરૂ થયેલો આ સીલસીલો આજદિન સુધી ચાલી રહ્યો છે. હજુ વડોદરા સુરત મહાનગરપાલિકાને આ પ્રકારનો ધમકીભર્યો મેઇલ મળ્યાની ગણતરીની કલાકોમાં જ ગાંધીનગર મહાનગરપાલિકામાં પણ પોલીસ દ્વારા સધન ચેકિંગ કરાયુ હતું. અહિ પણ બોંબની ધમકીભર્યો મેઇલના પગલે પોલીસ દ્વારા સવારે ચેકિંગ હાથધરવામાં આવ્યુ હતું. બોંબ ડિસ્પોઝલ અને ડોગ સ્ક્વોર્ડની ટીમો સહિતનો પોલીસ કાફલો કોર્પોરેશન બિલ્ડિંગ ખાતે ઉતરી પડયો હતો. કોર્પોરેશનના પદાધિકારીઓ, અધિકારીઓની ઓફિસથી લઇને ખુણાખુણાની તપાસ કરવામાંઆવી હતી. આ કામગીરી દરમિયાન ત્યાં ગણ્યાગાંઠયા કર્મચારીઓ જ હાજર હતા. જેઓ પોલીસને જોઈને ફફડી ઉઠયા હતા. જોકે, ચેકિંગની કામગીરી દરમિયાન મહાનગરપાલિકાની કામગીરી યથાવત ચાલુ રહી હતી. ચેકિંગ દરમિયાન કોઇ સંદિગ્ધ ચીજવસ્તુ મળી આવી નહતી. ઉલ્લેખનીય છેકે, ગાંધીનગરમાં સીએમ કાર્યાલય ઉપરાંત ગાંધીનગર ન્યાયાલય, વિવિધ આઠ જેટલી સ્કુલોને અત્યાર સુધીમાં બોંબથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઇમેઇલ મળી ચુક્યા છે. મોટાભાગના ઇમેઇલ ખાલીસ્તાનના નામે મોકલવામાં આવ્યા છે. જેમાં થ્રેટ આપવાની પ્રણાલી એક સરખી જોવા મળી રહી છે. જોકે ઓફિસ ટાઈમ હતો, સવાર સવારમાં જ પોલીસનો કાફલો ચેકીંગ કરવા ઉતરી પડયો હતો. આશ્ચર્યની વાત એ છે કે, ચોથે માળ બેસતા પદાધિકારીઓને આ ઘટનાની બિલકુલ જાણકારી ન હતી. મેયર, ચેરમેન સહિત તમામ નેતાઓ અજાણ હતા, જેને લઈ આશ્ચર્ય સર્જાયું છે.

બારડોલીની પીપલ્સ કો-ઓ. ક્રેડિટ સોસા.ના પ્રમુખપદે રાકેશ ગાંધી, ઉપપ્રમુખપદે શૈલેન્દ્ર પટેલ નિમાયા









