ગુજરાતના બ્રહ્મસમાજ દ્વારા સામાજિક સુધારણા અને સમાજના હિતોના રક્ષણ માટે એક ઐતિહાસિક પહેલ કરવામાં આવી છે. ગાંધીનગરમાં યોજાયેલી ગુજરાત બ્રહ્મસમાજની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે, હવે સમાજ પોતાનું એક અલગ સામાજિક બંધારણ તૈયાર કરશે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય મધ્યમવર્ગીય પરિવારોને આર્થિક બોજમાંથી ઉગારવાનો છે.
લગ્નમાં ખોટા ખર્ચ પર મુકાશે લગામ
સમાજના અગ્રણી યજ્ઞેશ દવેએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં સામાજિક દેખાદેખીને કારણે લગ્ન પ્રસંગોમાં અઢળક ખર્ચ કરવામાં આવે છે. આ આર્થિક બોજને કારણે ઘણા પરિવારો દેવામાં ડૂબી જાય છે. આગામી વાર્ષિક સામાન્ય સભામાં આ બંધારણને અંતિમ ઓપ આપવામાં આવશે.આ માટે સમગ્ર ગુજરાતના બ્રાહ્મણો પાસેથી મંતવ્યો અને સૂચનો મંગાવવામાં આવશે, જેથી એક સર્વસંમત માળખું તૈયાર કરી શકાય.
સરકારી નીતિઓ અને UGC સામે મોરચો
બેઠકમાં માત્ર સામાજિક જ નહીં પરંતુ સરકારી નિર્ણયો સામે પણ રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. યજ્ઞેશ દવેએ આક્ષેપ કર્યો હતો કે સરકારી નિર્ણયો અને પરિપત્રોમાં અવારનવાર બ્રહ્મસમાજ અને અન્ય સવર્ણ સમાજોને ટાર્ગેટ કરવામાં આવે છે. આવા વાંધાજનક નિર્ણયો સામે હવે બ્રહ્મસમાજ આક્રમક રણનીતિ સાથે લડત આપશે. ગુજરાત બ્રહ્મસમાજ પ્રમુખ અશ્વિન ત્રિવેદીએ સ્પષ્ટ કર્યું હતું કે, UGC (યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન) ના નવા નિયમો જે સમાજ વિરોધી છે, તેની સામે કાયદાકીય લડત ચાલુ રાખવામાં આવશે.
ફિલ્મ ‘ઘૂસણખોર પંડિત’ નો વિરોધ
સમાજની લાગણી દુભાવતી ફિલ્મો સામે પણ પ્રમુખ અશ્વિન ત્રિવેદીએ લાલ આંખ કરી છે. તેમણે જણાવ્યું કે, 'ઘૂસણખોર પંડિત' જેવી ફિલ્મો સામે બ્રહ્મસમાજ સખત વિરોધ નોંધાવશે. આ ઉપરાંત, તેમણે ઉમેર્યું હતું કે સુપ્રીમ કોર્ટનો સ્ટે છે ત્યાં સુધી પક્ષલક્ષી કે વિવાદાસ્પદ કાર્યક્રમો યોજવામાં આવશે નહીં.
આગામી રણનીતિ
બ્રહ્મસમાજ દ્વારા હવે જિલ્લા અને તાલુકા સ્તરે સંગઠનને મજબૂત કરી, નવા સામાજિક બંધારણના અમલીકરણ માટે જનજાગૃતિ ફેલાવવામાં આવશે. સમાજના યુવાનો અને વડીલોને આર્થિક રીતે સદ્ધર કરવા અને સામાજિક એકતા જાળવવા આ પગલું સીમાચિહ્નરૂપ સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો: Dahod: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના અંડરપાસમાં બોરવેલની ગાડી ફસાઈ, ઓથોરિટીની બેદરકારી સામે રોષ