ગુજરાતના બાળકો અને તરુણોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્ય સરકાર દ્વારા એક અભૂતપૂર્વ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલ તા. 24 ડિસેમ્બર, 2025ના રોજ ગાંધીનગર ખાતેથી ટાઈપ-1 ડાયાબીટીસ (જુવેનાઈલ ડાયાબીટીસ) નિયંત્રણ કાર્યક્રમ”નો રાજ્યવ્યાપી શુભારંભ કરાવશે.


તમામ દર્દીઓને નિ:શુલ્ક ઇન્સ્યુલિન અને સારવાર

આ વિશેષ કાર્યક્રમ હેઠળ રાજ્યમાં ટાઈપ-૧ ડાયાબીટીસ ધરાવતા તમામ દર્દીઓને વહેલું નિદાન, સચોટ સારવાર અને લાંબાગાળાની સંભાળ પૂરી પાડવામાં આવશે. સૌથી મહત્વની બાબત એ છે કે આ કાર્યક્રમ અંતર્ગત દર્દીઓને નિ:શુલ્ક ઇન્સ્યુલિન અને જરૂરી તબીબી સારવાર આપવામાં આવશે, જેથી તેઓ કોમ્પ્લીકેશન મુક્ત અને ગુણવત્તાસભર જીવન જીવી શકે.

શું છે ટાઈપ-૧ ડાયાબીટીસ?

સામાન્ય રીતે ડાયાબીટીસને લાઈફસ્ટાઈલ સાથે જોડવામાં આવે છે, પરંતુ ટાઈપ-૧ ડાયાબીટીસ એ ઓટો ઇમ્યુન અને બિનચેપી રોગ છે. આ સ્થિતિમાં શરીરનું સ્વાદુપિંડ ઇન્સ્યુલિન ઉત્પન્ન કરી શકતું નથી. આથી, આવા દર્દીઓ માટે જીવનભર ઇન્સ્યુલિન લેવું અનિવાર્ય બની જાય છે. ખાસ કરીને બાળકોમાં જોવા મળતા આ રોગના ખર્ચાળ ઈલાજમાં હવે સરકારની આ યોજના આશીર્વાદરૂપ સાબિત થશે.

વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ 

  • Follow us on: