સામાન્ય માણસ માટે જ્યારે ખાનગી હોસ્પિટલોના મોંઘા ખર્ચ અને જટિલ સર્જરીનું જોખમ ચિંતાનું કારણ બને છે, ત્યારે સરકારી હોસ્પિટલો આશાનું કિરણ બનીને સામે આવે છે. આવો જ એક કિસ્સો GMERS સિવિલ હોસ્પિટલ, ગાંધીનગર ખાતે પ્રકાશમાં આવ્યો છે, જ્યાં સર્જરી વિભાગના નિષ્ણાત તબીબોએ એક 39 વર્ષીય પુરુષ દર્દીની લીવરની હાઈડેટીડ સિસ્ટની અત્યંત જટિલ સર્જરી સફળતાપૂર્વક પાર પાડી છે.


દર્દી અને પરિવાર સતત ભય અને મુંઝવણમાં હતો

આ દર્દી વર્ષ 2021થી આ ગંભીર બીમારીથી પીડાતા હતા અને છેલ્લા પાંચ વર્ષ દરમિયાન તેમણે અનેક હોસ્પિટલો તથા ડોક્ટરોનો સંપર્ક કર્યો હતો. જોકે, ક્યાંક ઓપરેશનનો વધુ પડતો ખર્ચ તો ક્યાંક સર્જરીમાં રહેલા જીવના જોખમને કારણે દર્દી અને તેમનો પરિવાર સતત ભય અને મુંઝવણમાં જીવતો હતો. અંતે થાકીને આ દર્દી ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગમાં પહોંચ્યા હતા. અહીંના તબીબોએ માત્ર તેમની બીમારીની ગંભીરતાને સમજી એટલું જ નહીં, પણ દર્દી અને તેમના સગાઓને રોગ વિશે વિગતવાર સમજણ આપી તેમના મનમાં ઘર કરી ગયેલા ડરને દૂર કર્યો હતો.

8 એપ્રિલે ઓપરેશન કર્યું

તબીબોના આત્મવિશ્વાસને જોઈ પરિવારે સર્જરી માટે સંમતિ આપી અને 8 એપ્રિલ 2026ના રોજ આ ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવ્યું. સર્જરી દરમિયાન તબીબો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા કારણ કે લીવરમાં રહેલી મુખ્ય હાઈડેટીડ સિસ્ટની અંદર હજારોની સંખ્યામાં નાની-મોટી ‘ડોટર સિસ્ટ’ ભરાયેલી હતી. નિષ્ણાત સર્જનોની ટીમ જેમાં ડો. નિયતિ લાખાણી, ડો. પ્રતિક શાહ, ડો. બિન્નલ પંચાલ અને ડો. પ્રતિક પટેલ સામેલ હતા, તેમણે અત્યંત સાવચેતીપૂર્વક આ તમામ સિસ્ટને દૂર કરી હતી. આ જટિલ પ્રક્રિયામાં એનેસ્થેટિસ્ટ ડો. ભારતી રાજાણી, ડો. પ્રિયંકાબેન અને તેમની ટીમે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

આ સફળ શસ્ત્રક્રિયા બાદ દર્દી હવે ભયમુક્ત અને સ્વસ્થ છે. વર્ષોની પીડામાંથી મુક્તિ મળતા દર્દીના પરિવારે સિવિલ હોસ્પિટલના તબીબો અને સ્ટાફનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. ગાંધીનગર સિવિલ હોસ્પિટલની આ સફળતા ફરી એકવાર સાબિત કરે છે કે સરકારી તબીબોની કુશળતા અને સેવાની ભાવના ગમે તેવા અઘરા પડકારોને જીતવા માટે સક્ષમ છે.

હાઈડેટીડ સિસ્ટ અને ડોટર સિસ્ટ એટલે શું?

હાઈડેટીડ સિસ્ટ એ હકીકતમાં એક પ્રકારના પરોપજીવી જીવ Echinococcus granulosus નામનો કરમિયો દ્વારા થતો ચેપ છે. જ્યારે આ જીવ શરીરના અંગમાં સામાન્ય રીતે લીવરમાં ઘર બનાવે છે, ત્યારે ત્યાં એક મોટી કોથળી જેવી રચના બને છે, જેને 'મધર સિસ્ટ' કહેવામાં આવે છે. સમય જતાં, આ મુખ્ય મોટી કોથળીની અંદર નાની-નાની અનેક નવી કોથળીઓ પેદા થવા લાગે છે. આ નાની કોથળીઓને જ વિજ્ઞાનની ભાષામાં 'ડોટર સિસ્ટ' કહેવામાં આવે છે.

ડોટર સિસ્ટ શા માટે જોખમી છે?

ગાંધીનગર સિવિલના કિસ્સામાં જોવા મળ્યું તેમ, તેની સંખ્યા હજારોમાં હોઈ શકે છે. જેમ જેમ ડોટર સિસ્ટની સંખ્યા વધે છે, તેમ તેમ તે લીવર કે અન્ય અંગો પર દબાણ લાવે છે, જેનાથી દુખાવો અને પાચનની સમસ્યાઓ થાય છે. જો સર્જરી દરમિયાન એક પણ ડોટર સિસ્ટ અંદર ફાટી જાય તો તેનાથી દર્દીને ગંભીર એલર્જીક રિએક્શન આવી શકે છે અથવા શરીરના અન્ય ભાગોમાં પણ આ રોગ ફેલાઈ શકે છે. ટૂંકમાં કહીએ તો ડોટર સિસ્ટ એ રોગના ફેલાવાની પ્રક્રિયા છે. ગાંધીનગર સિવિલના ડોક્ટરોએ આ હજારો નાની કોથળીઓને લીવરને નુકસાન પહોંચાડ્યા વગર સુરક્ષિત રીતે બહાર કાઢી, એ જ આ સર્જરીની સૌથી મોટી સફળતા છે.

આ પણ વાંચો : Local Body Elections 2026: ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની આગેવાનો સાથે ગોષ્ઠિ, કાર્યકરોને ભણાવ્યા 'વિકાસ અને ઈકોનોમી'ના પાઠ


  • Follow us on: