રાજ્યના પોલીસ વડા (DGP) ડૉ. કે.એલ.એન.રાવ દ્વારા શરૂ કરાયેલી "One Day One District" (એક દિવસ એક જિલ્લો) પહેલ હેઠળ દાહોદ જિલ્લાના પોલીસિંગ અને માળખાકીય સુવિધાઓની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલી આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં દાહોદની ભૌગોલિક સ્થિતિ અને આંતરરાજ્ય સરહદોને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.


આંતરરાજ્ય ગુનાખોરી ડામવા પર વિશેષ ભાર

દાહોદ જિલ્લો રાજસ્થાન અને મધ્ય પ્રદેશ એમ બે રાજ્યોની સરહદો સાથે જોડાયેલો હોવાથી, આંતરરાજ્ય ગુનેગારો પોલીસને હાથતાળી આપી નાસી ન જાય તે માટે ખાસ રણનીતિ પર ચર્ચા થઈ હતી. DGPએ પાડોશી રાજ્યોની પોલીસ સાથે ઇન્ટેલિજન્સ શેરિંગ (બાતમીની આપ-લે) અને સંયુક્ત ઓપરેશન હાથ ધરવા સૂચના આપી હતી. આ ઉપરાંત સરહદી વિસ્તારોમાં આવેલી પોલીસ ચેકપોસ્ટ અને આઉટપોસ્ટનું અપગ્રેડેશન કરવા પર પણ ભાર મૂક્યો હતો.

માળખાકીય સુવિધાઓ અને આધુનિકીકરણ

બેઠક દરમિયાન દાહોદ જિલ્લામાં પોલીસિંગને વધુ સક્ષમ બનાવવા માટે નીચે મુજબના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. પોલીસ કર્મચારીઓ માટે નવા આવાસો અને વિભાગીય ઇમારતોનું નિર્માણ. પોલીસ મહેકમમાં વધારો અને નવા વાહનોની ફાળવણી. આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવવી.જૂની પોલીસ ચોકીઓ અને આઉટપોસ્ટને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવી.

પોલીસ પરિવારની સુખાકારી

માત્ર કાયદો-વ્યવસ્થા જ નહીં, પરંતુ પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારોની સુખાકારી માટે પણ આ બેઠકમાં ચિંતા કરવામાં આવી હતી. પોલીસ લાઇનમાં રહેતા બાળકોમાં રમતગમત પ્રત્યે રુચિ વધે તે માટે જરૂરી પ્રોત્સાહક માળખું અને મેદાનો તૈયાર કરવા અંગે પણ આયોજન કરવામાં આવ્યું છે.

ત્વરિત અમલીકરણના આદેશ

DGP ડૉ. કે.એલ.એન.રાવ દ્વારા પોલીસ ભવનની તમામ સંબંધિત શાખાઓને આદેશ આપવામાં આવ્યો છે કે, દાહોદ જિલ્લાની તમામ માંગણીઓનું તાત્કાલિક પરીક્ષણ કરવામાં આવે. જે પ્રોજેક્ટ્સ માટે બજેટ કે નીતિગત મંજૂરીની જરૂર હોય, તેના પ્રસ્તાવો ત્વરિત ધોરણે ગૃહ વિભાગને મોકલવા સૂચના આપી છે, જેથી જમીની સ્તરે વહીવટી પ્રક્રિયાને ગતિ આપી શકાય.

આ પણ વાંચો: ક્રિષ્ના સિરામિક કંપનીમાં ગુણો નીચે દટાઈ જવાથી શ્રમિકનું કરુણ મોત, પરિવારે વળતર માટે કર્યા ધરણા

  • Follow us on: