સરગાસણમાં તાજેતરમાં હાઇરાઇઝ બિલ્ડીંગમાં લાગેલી આગની ઘટના બાદ ફાયર બ્રિગેડ તંત્ર સફાળુ જાગ્યુ છે. તંત્ર દ્વારા ગાંધીનગર શહેર અને ખાસ કરીને ન્યુ ગાંધીનગર વિસ્તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્ડીંગોમાં ફાયર સેફ્ટિ મામલે તપાસ હાથધરવામાં આવી છે. આ માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. જે તપાસ કરીને બિલ્ડીંગવાઇઝ રિપોર્ટ તૈયાર કરશે. જ્યાં ફાયર સેફ્ટિ મામલે જરાપણ બેદરકારી હોવાનું ધ્યાને આવશે તો જવાબદારોને નોટિસ ફટકારાશે.


દિલ્હીની આગની ઘટના અને તાજેતરમાં જ સરગાસણમાં હાઇરાઇઝ બિલ્ડીંગમાં લાગેલી આગની ઘટનાએ વધુ એક વખત સોસાયટીઓમાં ફાયર સેફ્ટિના મામલે પ્રશ્નો ઉપસ્થિત કર્યા છે. અગાઉ સુરતની આગજનીની ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ફાયર સેફ્ટિ માટે અમલવારીના કડક આદેશો છોડવામાં આવ્યા હતા. પરંતુ તેમ છતા હજુપણ કેટલીક હાઇરાઇઝ બિલ્ડીંગોમાં ફાયર સેફ્ટિના મામલે લોલમંલોલ ચાલી રહ્યુ હોવાનુ બહાર આવ્યુ છે. ખાસ કરીને આગની ઘટનાઓ બાદ આગ ઓલવતી વખતે ફાયર સેફ્ટિના સાધનોમાં કાંઇકને કાંઇક નાની મોટી ખામીઓ બહાર આવી રહી છે. સરગાસણ શ્રીપદ આયંશની ઘટના બાદ ફાયર બ્રિગેડ દ્વારા ગાંધીનગરની 450 જેટલી હાઇરાઇઝ બિલ્ડીંગોમાં ફાયર સેફ્ટિ મામલે તપાસ હાથધરી છે. આ માટે ફાયર બ્રિગેડની અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. ટુંક સમયમાં જ ચકાસણીની કામગીરી પુર્ણ કરવામાં આવશે. આ ટીમો દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી રહી છે. તપાસ બાદ દરેક સોસાયટીઓની ફાયર સેફ્ટિની સ્થિતી મામલે રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. જે સોસાયટીઓમાં ફાયર સેફ્ટિ સિસ્ટમ મામલે બેદરકારી જોવા મળશે તેઓને નોટિસ ફટકારવાની કાર્યવાહી હાથ ધરાશે. ઉલ્લેખનીય છેકે,કેટલીક સોસાયટીઓમાં માત્ર બીયુ પરમિશન મેળવવા માટે જ માત્ર કામચલાઉ ફાયર સેફ્ટિ સિસ્ટમ ઉભી કરવામાં આવતી હોવાના કિસ્સા પણ સામે આવ્યા છે. જેમાં સ્થળ નિરીક્ષણ બાદ ફાયર સેફ્ટિ સિસ્ટમના મહત્વના અને ખાસ કરીને મોંઘા પાર્ટ્સ હટાવી લેવામાં આવતા હોવાનું પણ ધ્યાનમાં આવ્યુ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: