ગાંધીનગરના નાના ચિલોડા વિસ્તારમાં આવેલી વ્રજ ડેરીમાં આજે વહીવટી તંત્ર અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ઓચિંતા દરોડા પાડીને નકલી પનીરનું મસમોટું નેટવર્ક ઝડપી પાડ્યું છે. લોકોના આરોગ્ય સાથે ચેડાં થતા હોવાની બાતમીના આધારે અધિકારીઓએ જ્યારે ડેરીમાં તપાસ હાથ ધરી ત્યારે મોટી માત્રામાં એનાલોગ પનીરનો જથ્થો મળી આવ્યો હતો. આરોગ્ય વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરીને વ્રજ ડેરીને સીલ કરી દીધી છે અને તેના માલિકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજસ્થાનથી દૂધ લાવી થતી હતી ભેળસેળ

તપાસમાં બહાર આવેલી ચોંકાવનારી વિગત મુજબ, આ ડેરીમાં પનીર બનાવવા માટે વપરાતું દૂધ છેક રાજસ્થાનના જાલોરથી મંગાવવામાં આવતું હતું. રાજસ્થાનથી આવતા દૂધ અને અન્ય ઘટકોની મદદથી અત્યંત સસ્તા દરે એનાલોગ પનીર તૈયાર કરવામાં આવતું હતું. એનાલોગ પનીર વાસ્તવમાં પનીર નથી હોતું પરંતુ વનસ્પતિ તેલ, સ્ટાર્ચ અને અન્ય કેમિકલ્સનું મિશ્રણ હોય છે, જે સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે.

સેમ્પલ લઈ વધુ તપાસના આદેશ

ફૂડ વિભાગના અધિકારીઓએ ઘટનાસ્થળેથી એનાલોગ પનીર અને દૂધના સેમ્પલ લઈને લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલી આપ્યા છે. આ પનીર શહેરની કઈ કઈ હોટલો અને રેસ્ટોરન્ટ્સમાં સપ્લાય કરવામાં આવતું હતું તે દિશામાં પણ તપાસ લંબાવવામાં આવી છે. તહેવારોની સિઝન પૂર્વે જ આટલી મોટી માત્રામાં નકલી પનીર પકડાતા ખાદ્યચીજોમાં ભેળસેળ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો