સેક્ટર-3 ન્યુમાં બે રહેણાંક પ્લોટમાં નિયમો વિરૂધ્ધ બિનઅધિકૃત બાંધકામ સામે ગાંધીનગર કોર્પોરેશન એક્શનમાં આવ્યું છે.


માલિક દ્વારા 90-90 મીટરના બંને પ્લોટોમાં બે મીટરના માર્જીનની જગ્યા છોડવાના બદલે ત્યાં પણ બિનઅધિકૃત બાંધકામ તાણી બાંધ્યું હતું. જે અંગે અરજદાર દ્વારા કોર્પોરેશનમાં અરજી કરવામાં આવતા તની સામે મકાન માલિકે કોર્પોરેશનની બિનઅધિકૃત બાંધકામ દૂર કરવા માટેની નોટિસને હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી. પરંતુ હાઈકોર્ટે આ અરજીને કાઢી નાંખતા આજે એસ્ટેટ શાખા અને ટાઉન પ્લાનિંગ વિભાગ સંયુક્ત રીતે ત્રાટક્યું હતું અને બંને પ્લોટો પરના ગેરકાયદે બાંધકામને તોડવાનું શરૂ કર્યું હોવાની વિગતો છે. મકાનમાલિક દ્વારા ગ્રાઉન્ડફ્લોરથી લઈને છેક ત્રણ માળ સુધી ગેરકાયદે બાંધકામ તાણી લીધું હોવાનું જાણાવા મળ્યું છે. આ તમામ ગેરકાયદે બાંધકામને દૂર કરતાં તંત્રના પગે પાણી ઉતરી આવશે.

સેક્ટર-3ન્યુમાં પ્લોટ નંબર 39/2 તથા 40/1 પર મકાન માલિક દ્વારા ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હતું, જેને આખરે દુર કરવાની પ્રક્રિયા મ્યુનિ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. અરજદાર દ્વારા આ બાબતે હાઈકોર્ટ અને કોર્પોરેશનમાં અરજી કરાઈ હતી. મકાન માલિક દ્વારા 90 ચોમીના પ્લોટમાં બે મીટરના માર્જીનમાં અનઅધિકૃત બાંધકામ બાંધવામાં આવતા અરજદારને હવા-ઉજાસથી લઈને પ્રકાશ અવરોધવાયો હતો. અરજદારની અરજીને ધ્યાને લઈ ટાઉનપ્લાનિંગ શાખાએ સ્થળ પર જઈને તપાસ કરી હતી, જેમાં ગેરકાયદે બાંધકામ થતું હોવાનું ધ્યાને આવતાં મકાનમાલિકને નોટિસ આપી હતી. કોર્પોરેશને એવું પણ જણાવ્યું હતું કે, જમીન ધારણકર્તા દ્વારા 1-1-2013ના રોજ બાંધકામ વપરાશ પરવાનગી સિવાયનું વિષયોક્ત જમીનમાં વિકાસ કે વપરાશ અનઅધિકૃત અને પરવાનગી વિનાનું છે. આથી આ બાંધકામનો અનઅધિકૃત વપરાશ બંધ કરવા તથા સાત દિવસમાં વપરાશ પરવાનગી વિનાનું વધારાનું બાંધકામ દૂર કરવા હુકમ કર્યો હતો. આ હુકમની સામે જમીનના માલિક દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. પરંતુ તેમાં પણ હાઈકોર્ટે સુનાવણી દરમિયાન સાચી હકીકત પુરવાર થતાં આ અરજીને કાઢી નાંખી હતી. એટલું જ નહિ બિનઅધિકૃત બાંધકામ ચાલુ નહિ રાખવા પણ નિર્દેશ કર્યો હતો.


  • Follow us on: