ગાંધીનગરમાં આવેલી તમામ સરકારી કચેરીઓમાં કોમન પેસેજ એરિયા, સીડી, ટોઈલેટ સહિતના ભાગોમાં સેન્સર બેઝ ઓટોમેટિક લાઈટો નાખવાનું આયોજન ચાલી રહ્યું છે. કચેરીઓમાં આ ભાગોમાં ઉપયોગ વગર આખો દિવસ લાઈટો ચાલુ રહેતાં સ્વાભાવિક રીતે ઉર્જાની ખપત વધારે રહે છે. જેને પગલે ઉર્જાની બચત અને પર્યાવરણના જતન માટે સરકાર દ્વારા આ પ્રકારનું આયોજન ચાલી રહ્યું છે.
પર્યાવરણ સંરક્ષણ અને કુદરતી સંસાધનો બચાવવા માટે ઉર્જાની બચત હવે અનિવાર્ય થઈ ગઈ છે. સરકાર દ્વારા ઉર્જા બચત માટે અનેક પગલાં લેવાય છે, ત્યારે લોકો પણ બીનજરૂરી વીજળીનો વપરાશ ટાળે, સૌર્ય ઉર્જાનો મહત્તમ ઉપયોગ કરે તે જરૂરી છે. આ બધા વચ્ચે સરકારી કચેરીઓમાં ઘણીવાર બીનજરૂરી લાઈટ-પંખા ચાલુ જોવા મળે છે. જ્યારે સીડી, કોમન પેસેજ એરિયા, ટોઈલેટ સહિતના ભાગોમાં લોકોને અવરજવરને પગલે દિવસે પણ લાઈટો ચાલુ રાખવાની ફરજ પડતી હોય છે. જેને પગલે હવે સરકાર દ્વારા ઉર્જા બચતના ઉપાય તરીકે આવા સ્થળો ઉપર સેન્સર બેઝ લાઈટો ફિટિંગ કરવાની વિચારણા કરી છે. જેમાં ગાંધીનગરમાં આવેલી તમામ સરકારી કચેરીઓ લાઈટો લગાવવાના ખર્ચ સહિતના આયોજનો ચાલી રહ્યા છે. આ પ્રકારની લાઈટો ફિટિંગ કરવાથી સીટી, કોમન પેસેજ એરિયા, ટોઈલેટમાં કોઈ એન્ટર થશે ત્યારે જ સેન્સરથી લાઈટ ચાલુ થશે. બાકીના સમયે લાઈટો બંધ રહેતાં સીધી રીતે ઉર્જાની બચત થાય તેમ છે.










