મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં લેવાયેલા પ્રજાલક્ષી નિર્ણયો અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ વહીવટી પ્રક્રિયામાં પારદર્શિતા અને ઝડપ લાવવા માટે વહીવટી તંત્રને કેટલીક કડક અને મહત્વની સૂચનાઓ આપી છે.
નવી એસઓપી તૈયાર કરવા આદેશ
રાજ્યના વિવિધ પ્રોજેક્ટ્સ મંજૂર થયા બાદ જમીન સંપાદન કે વન વિભાગની NOC જેવી મંજૂરીઓમાં થતો વહીવટી વિલંબ ટાળવા માટે મુખ્યમંત્રીએ રાજ્યના મુખ્ય સચિવને એક નવી એસઓપી તૈયાર કરવા આદેશ આપ્યો છે.
ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ ન થાય તે જોવા તાકીદ
આ સાથે જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સરકારી બાંધકામોમાં લાઇન-લેવલ તેમજ ફ્લોરિંગ જેવી નાની બાબતોમાં પણ એન્જિનિયરિંગ ક્ષતિ ન રહે અને ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ ન થાય તે જોવા તાકીદ કરી છે. આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને પ્રી-મોન્સૂન કામગીરી વેગથી પૂર્ણ કરવા અને શહેરી વિસ્તારોના ખાલી તળાવોને તાત્કાલિક પાણીના સ્ત્રોત શોધીને ભરવા માટે પણ જણાવાયું છે.
સ્વચ્છતાને વેગ આપવા માટે પણ કેબિનેટમાં મોટા નિર્ણયો લેવાયા
બીજી તરફ, પર્યાવરણ અને સ્વચ્છતાને વેગ આપવા માટે પણ કેબિનેટમાં મોટા નિર્ણયો લેવાયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'સ્વચ્છતા હી સેવા' અભિયાનને પાયાના સ્તર સુધી લઈ જવા માટે હવે ગ્રામ, તાલુકા અને જિલ્લા પંચાયત સ્તરે સ્વચ્છતા માટે એક અલગ 'હેડ' (બજેટ ફાળવણી) ઊભું કરાશે. આ ઉપરાંત, શહેરી વિસ્તારોમાં ગ્રીન કવર વધારવા માટે નગરપાલિકાઓમાં વૃક્ષારોપણ હેતુ ખાસ ફંડ ફાળવવા શહેરી વિકાસ વિભાગને સૂચના આપવામાં આવી છે. મુખ્યમંત્રીના આ નિર્ણયોથી રાજ્યના વિકાસકાર્યોને નવી ગતિ મળશે.
આ પણ વાંચો----- Ahmedabad : ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં 9 લોકોનો જીવ લેનારો મુખ્ય આરોપી તથ્ય પટેલ જેલમુક્ત થશે