દૂષિત પાણીને લઈ ટાઈફોઈડના વધુ 15 નવા કેસો મળી આવ્યા છે. જેમાં 12 બાળકો સકંજામાં સપડાયા છે. આ સાથે કુલ આંક 182 થયો છે.
સામે આજે 20 દર્દીઓ સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વેલન્સની કામગીરી હજુ પણ ચાલુ છે. દરમિયાન ટાઈફોઈડના નવા કેસો સામે આવી રહ્યા છે. આજે જે કેસો મળી આવ્યા તે મોટાભાગે સેક્ટર-24 ઈન્દિરાનગર, સે-26, સે-28 જીઆઈડીસી અને આદિવાડાના હોવાની વિગતો છે. હાલ સિવિલમાં 89 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાંથી 52 દર્દીઓ ટાઈફોઈડ પોઝિટિવ છે, જ્યારે 37 જેટલા દર્દી શંકાસ્પદ છે.
દૂષિત પાણીના કારણે શહેરના ઉક્ત વિસ્તારમાં ટાઈફોઈડનો પાણીજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે. ટાઈફોઈડના કેસો હજુ સતત વધી રહ્યા છે. આરોગ્ય તંત્રના કહેવા મુજબ હજુ આગામી દિવસો સુધી ટાઈફોઈડનું સંક્રમણ જોવા મળશે. ગઈકાલે ટાઈફોઈડના 14 કેસો મળ્યા હતા. આજે શુક્રવારે બીજા વધુ 15 નવા કેસો ઉમેરાયા છે. જેમાં 12 જેટલા બાળકોનો ટાઈફોઈડ થયો છે. તમામમાં તાવ અને પેટમાં દુઃખાવાની ફરિયાદો હતી. જેને લઈ સર્વેલન્સની ટીમો દ્વારા બ્લડ કલ્ચર કરવામાં આવ્યા હતા. રિપોર્ટમાં ટાઈફોઈડનું નિદાન થયું હતું. હાલમાં આ તમામ નવા દર્દીઓ પણ ગાંધીનગર સિવીલમાં સારવાર માટે દાખલ છે. આદિવાડામાં હજુ પણ દૂષિત પાણી આવતું હોવાની રહીશોની ફરિયાદ છે. તો બીજીબાજુ લોકોને પાણી ઉકાળીને પીવા માટે સર્વેલન્સની ટીમો દ્વારા ઘરેઘરે ફરીને કહેવામાં આવે છે. બહારનો ખોરાક બિલકુલ નહિ ખાવા તેમજ હાથ સ્વચ્છ રાખવા માટે પણ લોકોને કહેવામાં આવે છે. સૌથી વધુ 5 થી 15 વર્ષ સુધીના બાળકો ટાઈફોઈડમાં પટકાયા છે. બે બાળકોના શંકાસ્પદ મૃત્યુ સિવાય સ્થિતિ જળવાયેલી રહી છે. ગાંધીનગરમાં ટાઈફોઈડને અત્યારે રાજકીય મુદ્દો બનાવી દેવાયો છે. લોકોની બિમારી ઉપર પણ રાજકીય રોટલા શેકવાનું કોઈ ભૂલતું નથી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો