સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીમાં ગુજરાતના રાજકીય ઈતિહાસમાં ભાજપે વર્ષ 2021નો જૂનો રેકોર્ડ તોડીને નવો વિક્રમ સ્થાપ્યો છે. ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવાના છેલ્લા દિવસે બુધવારે માત્ર ચાર જ કલાકમાં કોંગ્રેસ- આમ આદમી પાર્ટીના 400થી વધુ ફસકી ગયા હતા. આથી, ભાજપને પહેલીવાર આ ચૂંટણીમાં 700થી વધુ ઉમેદવારો વગર ચૂંટણીએ બિનહરીફ વિજેતા જાહેર થયા છે. રાજ્યમાં 11 પાલિકાઓની 11 બેઠકોની પેટાચૂંટણી અને 393 સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની 9,994 કુલમળી 10,005 બેઠકો માટે 26મી એપ્રિલે મતદાન યોજવાની ચૂંટણી આયોગે જાહેરાત કરી હતી. પરંતુ હવે ફોર્મ ચકાસણી અને ઉમેદવારી પાછી ખેંચાયા બાદ ભાજપ 720થી વધુ બેઠકોમાં બિનહરિફ જાહેર થતા 26 એપ્રિલે 9,237 બેઠકો માટે મતદાન યોજાશે.
393 સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 84 નગરપાલિકાઓમાં સૌથી વધુ બેઠકો ભાજપે બિનહરિફ મેળવી છે. જેમાં ચૂંટણી પહેલા જ કડી નગરપાલિકામાં બે તૃતિયાંશ બહુમતિ સાથે ફરી સત્તાનું સુકાન ભાજપ સંભાળશે. ઉપરાંત બાયડ, ગણદેવી, શહેરા સહિત આઠથી વધારે નગરપાલિકાઓમાં ભાજપ ચૂંટણી પહેલા જ સત્તાનું સૂકાન સંભાળી શકશે. તેવી જ રીતે 260 પૈકી છથી વધુ તાલુકા પંચાયતોમાં પણ ભાજપના ઉમેદવારો બિનહરિફ રહેતા બહુમતિ મળ્યાના અહેવાલો છે. સાથે જ નવરચિત નવ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પહેલી ચૂંટણીમાં 45થી વધુ ઉમેદવારો બિનહરિફ રહ્યા છે. જેમાં પોરબંદર કોર્પોરેશનમાં 11, આણંદમાં 12, મહેસાણામાં પાંચનો સમાવેશ થાય છે. જ્યારે વડોદરા- અમદાવાદ કોર્પોરેશનમાં ભાજપના બે- બે ઉમેદવારો બિનહરીફ રહ્યા છે. જેની સત્તાવાર જાહેરાત રાજ્ય ચૂંટણી આયોગ ગુરૂવારે કરશે.
ઉમેદવારી પાછા ખેંચવા બુધવારે બપોરે ત્રણ કલાક સુધીના સમયગાળામાં વડોદરા, સુરત, મહેસાણા, બનાસકાંઠા સહિત અનેક જિલ્લાઓની મામલતદાર, પ્રાંત સહિતના ચૂંટણી અધિકારીઓની કચેરીમાં હાઈવોલ્ટ્રેજ ડ્રામા સર્જાયો હતો. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ટપોટપ ફોર્મ પાછુ ખેંચવાનું શરૂ કરતા તેમના સમર્થકો, નેતાઓએ ખરીદ- વેચાણના આક્ષેપો કર્યા હતા. કેટલીક કચેરીઓમાં તો ઉમેદવારી પાછી ખેંચવા આવનારાઓને કારણે કાયદો અને વ્યવસ્થા ખોરવાતા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવો પડયો હતો.
રાજ્યમાં 25 વર્ષથી દર પાંચ વર્ષે સાગમટે 70 ટકાથી વધુ ભૂ-ભાગમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે ચૂંટણીઓ યોજાઈ રહી છે. વર્ષ 2010થી સંસ્થા અને પ્રકાર અર્થાત પંચાયતમાંથી પાલિકા, નવા સીમાંકનો (શહેરી વિસ્તારમાં વધારો) થતા સ્થાનિક એકમોનો વ્યાપ વધ્યો છે. વર્ષ 2015માં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો માત્ર 37 બેઠકો પર જ બિનહરીફ જાહેર થયા હતા. તે પછી વર્ષ 2021ની ચૂંટણીમાં 220 અને વર્તમાનની ચૂંટણીઓમાં રેકોર્ડબ્રેક 700થી વધુ બેઠકો પર ભાજપ બિનહરિફ જાહેર થઈ રહ્યુ છે. અઢી દાયકાથી ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીના પરીણામો તે પછીના વર્ષે યોજાતી વિધાનસભા ચૂંટણીને અસરકર્તા બની રહે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પણ 18 મહિના પછી ઓક્ટોબર- 2027માં યોજનાર છે.
ઉમેદવારી પાછી ખેંચવાની અવધિ પૂર્ણ થયા બાદ રાજ્યમાં ચૂંટણી હેઠળની 9,237 બેઠકો માટે ભાજપ - કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી, અપક્ષો મળીને કુલ 25,516 ઉમેદવારો ચૂંટણીના મેદાને છે. જેમને ચૂંટણી પ્રચાર માટે 16મી એપ્રિલને ગુરૂવારથી 24મી એપ્રિલને શુક્રવારની સાંજે છ વાગ્યા સુધી એટલે કે નવેક દિવસનો સમય મળશે. ઉલ્લેખનિય છે કે, આ ચૂંટણીમાં 10,005 બેઠકો માટે 39,347 ફોર્મ ભરાયા હતા.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો