ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ મોડ ઉપર જોવા મળ્યું હતું. ત્યારે નાગરિકો અને દર્દીઓને તકલીફ્ ન પડે તે હેતુથી જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા પણ વ્યાપક અને આગોતરી તૈયારીઓ કરાઈ હતી. આપત્તિના સમયે તાત્કાલિક સારવાર આપવા માટે જિલ્લામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ 40 અને તાલુકા દીઠ 1 એમ મળીને કુલ 44 રેપિડ રિસ્પોન્સ ટીમ તૈયાર કરવામાં આવી હતી. આ તમામ ટીમો એમ્બ્યુલન્સ, પ્રાથમિક સારવાર માટેની જરૂરી દવાઓ અને અન્ય કટોકટીની સામગ્રી સાથે 24 બાય 7 સજ્જ રાખવામાં આવી હતી. આ ઉપરાંત આરોગ્ય વિભાગની 174 ટીમો ગ્રાઉન્ડ લેવલ પર સતત સર્વેલન્સ કર્યું હતું. આ ટીમો દ્વારા લોકોના હેલ્થ સ્ક્રીનીંગ સાથે રોગચાળો ન ફેલાય તે માટે વિસ્તારોમાં પીવાના પાણીનું ક્લોરીનેશન તથા દવાના છંટકાવની કામગીરી કરાઈ હતી. સાથે જ જરૂરિયાતમંદ નાગરિકોને સ્થળ પર જ જરૂરી દવાઓ પૂરી પાડવામાં આવી હતી. ભારે વરસાદ દરમિયાન સગર્ભાઓને હોસ્પિટલ પહોંચવામાં મુશ્કેલી ન પડે તે માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ અઠવાડિયા દરમિયાન જે સગર્ભા મહિલાઓની ડિલિવરીની સંભવિત તારીખ છે, તેમની સાથે આરોગ્ય તંત્ર સતત સંપર્કમાં છે અને તેમને સમયસર સુરક્ષિત રીતે આરોગ્ય કેન્દ્ર સુધી પહોંચાડવા માટેનું અગાઉથી આયોજન કરી લેવામાં આવ્યું છે. ગાંધીનગર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને અફ્વાઓથી દૂર રહેવા, ઉકાળેલું પાણી પીવા અને કોઈપણ આરોગ્ય વિષયક કટોકટીના સમયે નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો