ગાંધીનગર જિલ્લા પંચાયત, કલોલ, માણસા દહેગામ તાલુકા પંચાયત અને કલોલ તથા દહેગામ નગરપાલિકાની ચૂંટણી 26 એપ્રિલે યોજાશે. રાજકીય પક્ષો સાથે ચૂંટણી તંત્ર માટે પણ તૈયારીઓ માટે બહુ સમય રહ્યો નથી. જિલ્લાની છ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થામાં કુલ અંદાજે 8 લાખ જેટલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. એટલે આગામી 26 એપ્રિલ સુધી ઉમેદવારો આ આઠ લાખ મતદારો પાછળ દોડતા નજરે પડશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વિધાનસભા કરતાં પણ વધુ રસપ્રદ હોય છે. હજુ ઉમેદવારો નક્કી કરવાના બાકી છે. છતાં ચૂંટણીની જાહેરાત થવા સાથે જ માહોલ બદલાઈ ગયો છે. ટિકીટ કોને મળશે તેની ચર્ચાને લઈને સ્થાનિક કક્ષાએ રાજકારણ ગરમાઈ ગયું છે. મતદારોનો તો જાણે કે ચૂંટણીની જાહેરાત થવા સાથે જ પ્રભાવ વધી ગયો હોય તેવું ચિત્ર ઉભું થયું છે. ગાંધીનગર જિલ્લાની છ સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ પણ થઈ ગયેલી છે. ગુજરાત વિધાનસભાની મતદારયાદી ઉપરથી જ જિલ્લા-તાલુકા મતદાર મંડળોની વિગતવાર મતદારયાદી તૈયાર કરાઈ છે. જે મુજબ જિલ્લાના ચારેય તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં કુલ 344395 પુરુષ, 323806 સ્ત્રી, 32 અન્ય મળી કુલ 668233 મતદારો હાલની સ્થિતિ છે. જ્યારે કલોલ અને દહેગામ નગરપાલિકામાં કુલ 131749 મતદારો છે. જેમાં કલોલ નગરપાલિકામાં 52977 પુરુષ, 48610 સ્ત્રી, 02 અન્ય મળી કુલ 101589 મતદારો છે. જ્યારે દહેગામ પાલિકામાં 15298 પુરુષ, 14954 સ્ત્રી, 08 અન્ય મળી કુલ 30160 મતદારો છે. મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ બાદ પણ ચૂંટણી માટે ઉમેદવારી પત્રો રજૂ કરવાની છેલ્લી તારીખના આગલા દિવસ સુધી નવીન નામ દાખલ કરવા, નામ સુધારો, નામ કમી સહિતની પ્રક્રિયા ચાલુ રહેશે. જેને પગલે મતદારયાદીના આંકડામાં હજુ પણ નજીવા ફેરફાર થાય તેમ છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: