ગાંધીનગર મહાપાલિકા શહેરના વિવિધ સેક્ટરોમાં આવેલી સરકાર હસ્તકની ભાડે આપેલી માઈક્રોશોપિંગની દુકાનોના બાકી ભાડાની વસૂલાત માટે આકરા પાણીએ થઈ છે. લાંબા સમયથી ભાડું ન ચૂકવાત ભાડુઆતો સામે કડક હાથે કામ લેતા સેક્ટર-17/22 પાસે ભાડું ન ભરનાર માઈક્રોશોપિંગની નવ દુકાનો સીલ કરી દેવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, સેક્ટર-17/22 પાસે આવેલી માઈક્રોશોપીંગની દુકાનો પાસે મહાપાલિકાની ભાડાની મોટી રકમની વસુલાત બાકી નીકળે છે. તંત્ર દ્વારા આ અંગે કુલ 31 ભાડુઆતોને અગાઉ અનેકવાર નોટિસ પાઠવીને નિયત સમયમર્યાદામાં નાણાં જમા કરાવવા તાકીદ કરવામાં આવી હતી. જોકે ભાડુઆતો દ્વારા આ બાબતને ગંભીરતાથી નહી લેવામાં આવતા આખરે મ્યુનિ તંત્રએ સીલીંગનું શસ્ત્ર ઉગામ્યું હતું. સ્થળ પર જઈને મહાપાલિકાની ટીમે ભાડું ન ભરનારા નવ એકમોને સીલ મારી દીધા હતા. મ્યુનિ તંત્રની આ આકસ્મિક અને કડક કાર્યવાહીને પગલે અન્ય બાકીદારોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. પોતાની દુકાન સીલ ન થાય તેને લઈને કેટલાક દુકાનદારોએ તાત્કાલિક અસરથી નાણાં ચૂકવવાની તૈયારી બતાવી હતી. જેના પરિણામે સ્થળ પર જ અંદાજે 16.15 લાખ જેટલી રકમની ચેક દ્વારા વસૂલાત કરવામાં આવી હતી. તંત્રના જણાવ્યાનુસાર આ ઝુંબેશ આગામી દિવસોમાં અન્ય સેક્ટરોમાં પણ હાથ ધરવામાં આવશે. જેમાં સેક્ટર-21 માઈક્રોશોપીંગ, સે-10 મીના બજાર, સેક્ટર-16, 28 અને 29ના વ્યવસાયિક એકમોમાં પણ જે દુકાનદારોના ભાડા બાકી છે તેમની સામે તવાઈ હાથ ધરવામાં આવશે. તેમની પણ મિલકતો સીલ કરવાની સઘન કાર્યવાહી કરવાની તંત્રએ તૈયારીઓ હાથ ધરી લીધી છે. માઈક્રોશોપીંગના ભાડુઆતોને અંતિમ ચેતવણી આપી દીધી છે. કોઈપણ પ્રકારની કાયદેસરની કાર્યવાહીથી બચવું હોય તો બાકી નીકળતી રકમ સત્વરે ભરી જવા તાકીદ કરી છે.
