પાટનગરમાં સેક્ટર-27 પોલીસ લાઈનમાં રહેતાં પીએસઆઈ તન્વીરસિંહ ઝાલાએ પોતાની જ સર્વિસ રિવોલ્વરથી આપઘાત કરી લીધો હતો. મૃતક પીએસઆઈ સીએમ સિક્યોરિટીમાં ફરજ બજાવતા હતા. આપઘાતનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. જોકે પ્રાથમિક રીતે કોઈ અંગત પારીવારીક વિખવાદમાં પીએસઆઈએ આ પગલું ભર્યું હોવાનું કહેવાય રહ્યું છે. જોકે પોલીસે સમગ્ર મુદ્દે લાશનું પોસ્ટ મોર્ટમ કરાવીને સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.ઘટનાની વિગતો પ્રમાણે મૃતક તન્વીરસિંહ ઝાલા મૂળ વાવ-થરાદના કુડા ગામ હોવાની વિગતો છે. ડાયરેક્ટર ભરતીમાં પીએસઆઈ તરીકે લાગેલા તન્વીરસિંહ છેલ્લા ઘણા સમયથી ગાંધીનગર ખાતે ફરજ બજાવતા હતા. સીએમ સિક્યોરિટીમાં ફરજ બજાવતા જવાન સેક્ટર-27 પોલીસ લાઈનમાં રહેતાં હતા. પીએસઆઈ આજે અગમ્ય કારણોસર પોતાની જ સર્વિસ રિવોલ્વરથી લમણે ગોળી મારી આપઘાત કરી લીધો હતો. ગોળીનો અવાજ સાંભળીને આસપાસ લોકો દોડી આવ્યા હતા. જોકે તે પહેલાં પીએસઆઈનું મોત થઈ ગયું હતુ અને રૂમમાં પણ લોહી વહેતું જોવા મળ્યું હતુ. ઘટનાને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસે પોસ્ટ મોર્ટમ માટે લાશને સિવિલમાં ખસેડી હતી. આ સાથે ટેક્નિકલ પુરાવા એકઠા કરવા એફએસએલની પણ મદદ લેવાઈ છે. આપઘાતનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી, જોકે પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ પારિવારિક વિખવાદ કે કોઈ અંગત કારણ જવાબદાર હોઈ શકે છે. આપઘાતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ સાથી કર્મચારીઓ અને તે બાદ પરિવારજનોની પૂછપરછ કરશે. મૃતક પીએસઆઈ છેલ્લા કેટલાક સમયથી અહીં એકલા જ રહેતાં હોવાનું કહેવાય છે. ઉલ્લેખનિય છે કે જાન્યુઆરી મહિનામાં પેથાપુર ખાતે સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ વાઘેલાએ પોતાના નિવારસ્થાને આપઘાત કરી કર્યો હતો. જ્યારે બે મહિના પહેલાં શાહીબાગ પોલીસ હેડ ક્વાટરમાં ફરજ બજાવતા અને સેક્ટર-3માં રહેતાં મહિલા કોન્સ્ટેબલ જહાન્વી ડાભીએ ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો