ગિફ્ટસિટીમાં ફાયર બ્રિગેડ સ્ટેશન નજીક એક ખાનગી કંપનીની લેબર કોલોનીમાં ખાળકૂવામાં ખાબકતા એક બાળકનું મોત નિપજ્યું હતું.
ખાળકૂવાનું ઢાંકણું ખુલ્લુ હતું. બાળક રમતા રમતા તેમાં પડી ગયું હતું. તેને બહાર કાઢીને હોસ્પિટલ લઇ જવાતા ફરજ પરના ડોક્ટરે તપાસી મૃત જાહેર કર્યુ હતું. ઘટના આજે બપોરે ગિફ્ટસિટીમાં આવેલ બિલકોન કંપનીની લેબરકોલોનીમાં બની હતી. અહીં કંપનીમાં કામ કરતા શ્રમજીવીઓ માટે લેબર કોલોની બનાવવામાં આવી છે. જેમાં શૌચાલય, નહાવાધોવા માટે વપરાતા પાણીના નિકાલ માટે 20 ફૂટ ઊંડો ખાળકૂવો બનાવાયો છે. ખાળકૂવો ખુલ્લો છે. બપોરે લેબર કોલોનીમાં કામ કરતા રાજકુમાર રામનો છ વર્ષનો દીકરો રિયાંશુ રમતો રમતો આ ખાળકૂવા પાસે પહોંચ્યો હતો. તે રમતો રમતો ખાળકૂવામાં ખાબક્યો હતો. રિયાંશ જોવા નહીં મળતા પરિવારજનોએ તેની શોધ કરી ત્યારે ખાળકૂવો ખુલ્લો હોય તેમાં ખાબક્યો હોવાનું જણાયું હતું.










