પેથાપુરના યુવાને લગ્નની લાલચમાં એક લાખ ગુમાવવાનો વારો આવ્યો છે. આ યુવાનના લગ્ન મહારાષ્ટ્રની યુવતી સાથે થયા હતા. લગ્નના ચાર દિવસ બાદ તે પિયર ગયા બાદ પતિ સાથે સંપર્ક કાપી ફોન સ્વિચ ઓફ કરી દેતા પોતે છેતરાયો હોવાનો યુવાનને જાણ થતા તેણે લગ્ન કરાવનાર શખસ સહિતના સામે પેથાપુર પોલીસ મથકમાં છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે.
આ મામલે પેથાપુર કસ્બા મુલચંદપાર્કમાં રહેતા શાહિદ ઇબ્રાહીમ ખાન પઠાણે પેથાપુર પોલીસ મથકમાં ઇરફાન અબરાર પઠાણ (રહે. અમરાવતી, મહારાષ્ટ્ર), તેની પત્ની રોશની પરવિન શેખ, પત્નીની માસી રુકશાના તથા મામા રાજીકખાન (તમામ રહે. અકોલા મહારાષ્ટ્ર) સામે ફરિયાદ નોંધાવી છે. શાહિદ ગાંધીનગરમાં પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે. તેને લગ્ન કરવા હોય સગાસબંધીમાં જાણ કરી હતી. શાહીદના બનેવીએ ઇરફાન પઠાણનો નંબર આપ્યો હતો. ફોન પર વાતચીત કરતા ઇરફાન પઠાણે શાહિદનો ફોટો મંગાવ્યો હતો. લગ્નના ખર્ચ, ભાડાના મળી એક લાખ લીધા હતા. લગ્ન બાદ યુવતી પિયર ગઈ હતી. થોડા દિવસ વાત કર્યા બાદ તેણે પતિ સાથે વાત કરવાનું બંધ કરી ફોન સ્વીચઓફ કર્યો હતો. અંતે છેતરાયાનું જણાતા યુવકે ફરિયાદ નોંધાવી છે.










