દહેગામના તાબે આવેલા નવા નારણપુરા ખાતે રહેતા અને હાલમાં નગરપાલિકામાં આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 7 ના ઉમેદવાર વિજેન્દ્રસિંહ મોહતસિંહ મકવાણા તથા તેના કૌટુંબીક ભાઇ જીગ્નેશ પ્રભાતસિહ મકવાણાએ ભેગા મળીને બુટલેગર ભુપેન્દ્રસિહ ઉર્ફે અબ્દુલ મહેશજી ઠાકોર ( રહે. નીલકંઠના છાપરા, દહેગામ) વાળા પાસેથી હાલમાં ચાલી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં મતદારોને રીઝવવા માટે વિદેશી દારુનો જથ્થો મંગાવ્યો હતો. આ જથ્થો જીગ્નેશ મકવાણાએ નવા નારણપુરા ખાતે આવેલા ક્રિશી ફાર્મ હાઉસની બાજુમાં આવેલા સર્વે નંબર 918 વાળા ખેતરમાં આવેલી એક ઓરડીમાં મુકવામાં આવ્યો હોવાની હકીકત મળી હતી. આ બાતમી આધારે દહેગામ પોલીસે ઉપરોકત સ્થળે રેડ કરીને ઓરડીમાં સુકા ઘાસની આડમાં સંતાડેલા વિદેશી દારુના જથ્થા સહીત બુટલેગરને પકડી પાડયો હતો. પોલીસે સ્થળ પરથી દારુ તથા બીયરના કુલ 272 નંગ બોટલ ટીન મળીને કુલ 34870 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે પોલીસે હાલ ફરાર આરોપી વિજેન્દ્રસિંહ મહોબતસિંહ મકવાણા, જીગ્નેશ પ્રભાતસિંહ મકવાણા ( બંને રહે. નવા નારણપુરા,દહેગામ) તથા ઝડપાયેલા ભુપેન્દ્ર ઉર્ફે અબ્દુલ મહેશજી ઠાકોર (નીલ કંઠના છાપરા) વિરુધ્ધ પ્રોહિબીશન મુજબ ગુનો નોંધ્યો હતો.
બુટલેગરે આપ ઉમેદવારના વટાણા વેરી નાંખ્યા
પોલીસના હાથે ઝડપાયેલા આરોપી બુટલેગર ભુપેન્દ્ર ઠાકોરે આમ આદમી પાર્ટીના ઉમેદવારના વટાણા વેરી નાંખ્યા હતા. તેણે પોલીસ સમક્ષ કબુ લાત કરતા જણાવ્યુ હતુ કે આમ આદમી પાર્ટીના દહેગામ નગર પાલિકામાં વોર્ડ નંબર 7 ના ઉમેદવાર વિજેન્દ્રસિંહ મહોબતસિંહ મકવાણાએ ફોન કરીને દારુ બિયર મંગાવ્યો હતો. બુટલેગરની કબુલાત મામલે પોલીસની પ્રાથમિક તપાસમાં બુટલેગરના ફોનમાં ઉમેદવાર સાથે ટેલિફોનીક સંપર્ક કર્યો હોવાનુ પણ માલુમ પડયુ હતુ.










