ગાંધીનગર મહાપાલિકા દ્વારા દ્વારા લાગુ કરવામાં આવેલી આઉટડોર પોલિસીને દસેક જેટલી એજન્સીઓ દ્વારા હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે.


જે કેસમાં હાઈકોર્ટમાં ગયેલા લોકોને જ હાલમાં ઝટકો પડયો છે. પોલિસીનો વિરોધ કરનારી એજન્સીઓની સુનવણી દરમિયાન ઝાટકણી કાઢવા સાથે પહેલા જીએમસી પાસેથી વહેલીતકે કાયદેસરની મંજૂરી મેળવી લેવા હાઈકોર્ટે જણાવ્યું છે.

કોર્પોરેશનની આઉટરોડ પબ્લિસિટી પોલિસીને હાઈકોર્ટમાં પડકારનાર એજન્સીઓને પહેલા હવે પોલિસીના નિયમ મુજબ અરજી કરવાથી લઈને ફી ભરવાનું જણાવવામાં આવતા એજન્સીઓની હાલત કફોડી બની છે. ગાંધીનગરમાં હોર્ડિંગ્સનો વ્યવસાય કરતી દસેક જેટલી એજન્સીઓઓ પોલિસીને પડકારી હતી. જેની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે એજન્સીઓને ફટકાર લગાવી હતી. એજન્સીઓને સૌ પહેલા કોર્પોરેશનમાં મંજુરી માટે અરજી કરીને નિયમ મુજબ લાઈસન્સ ફી ભરી દેવા જણાવ્યું છે. ગેરકાયદે ઉભા કરવામાં આવેલા વિશાળ હોર્ડિંગ્સોને પણ નિયમ મુજબની સાઈઝના કરી જરૂરી તમામ દસ્તાવેજો તથા સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ તેમજ નિર્ધારિત ફી સાથે અરજી કરવા તાકીદ કરી છે.

મહાપાલિકા દ્વારા 1 લી જાન્યુઆરી 2025થી આઉટડોર પોલીસી લાગુ કરવામાં આવી છે. શહેરમાં એજન્સીઓ દ્વારા આડેધડ જાહેરાતના હર્ડિંગ્સ અને બેનરો લગાવવાની પ્રવૃત્તિને નિયંત્રિત કરવા માટે થઈને ગાંધીનગર કોર્પોરેશનના જનસંપર્ક વિભાગ દ્વારા પોલિસી તૈયાર કરવામાં આવી છે. આ પોલીસી અમલી બનતાં જ શહેરમાં કોઈપણ જગ્યાએ જાહેરાતના હોર્ડિંગ્સ, બેનર્સ વગેરે લગાવવા માટે નિયમોનું પાલન ફરજિયાત બન્યું છે. પરંતુ આ પોલિસી એજન્સીઓને ખટકતા તેને હાઈકોર્ટમાં પડકારી હતી. પરંતુ તેમાં સતત મુદતો પડતી રહેવાથી ગત સોમવારે મ્યુનિ તંત્ર એક્શનમાં આવ્યું અને ગેરકાયદે હોર્ડિંગ્સ અને બેનર્સ સામે કાર્યવાહી શરૂ કરાતા આ એજન્સીઓએ હાઈકોર્ટમાં અર્જન્સી મેટર તરીકે વહેલી સુનાવણી માટે અરજી કરી હતી. જે અરજી બાબતે ગઈકાલે સુનાવણી દરમિયાન જસ્ટીસ મૌનાબેન ભટ્ટની કોર્ટે એજન્સીઓને ફટકાર લગાવી હતી. શહેરમાં આડેધડ હોર્ડિંગ્સ અને બેનર્સ ઉભા કરવા તથા મહાનગરપાલિકાના નિયમનું પાલન ન કરવા બદલ એજન્સીઓની ઝાટકણી કાઢી હતી અને વહેલીતકે નિયમ મુજબ મહાપાલિકાની મંજુરી મેળવી લેવા જણાવવામાં આવ્યું છે. હાઈકોર્ટના તેવર જોઈને એજન્સીઓની હાલત હવે કફોડી થઈ છે. હાઈકોર્ટે સૂચના આપતાં હવે આ તમામ એજન્સીઓને આગળની સુનાવણી પૂર્વે ઝડપથી મહાપાલિકામાં હોર્ડિંગ્સ તથા બેનરો જે લગાવ્યા છે તેની મંજુરી મેળવવાની પ્રક્રિયા પુરી કરવી પડશે.


  • Follow us on: