ગાંધીનગર અને ગ્રામ્ય વિસ્તારમાં મંકી માઉસ ટોપી પહેરીને ચેઇન સ્નેચિંગની ઘટનાને અંજામ આપતા છારાગેંગના કુખ્યાત સભ્યને એલસીબીએ ઝડપી લીધો છે. તેની પુછપરછમાં એક માસ પુર્વે થયેલી બે ચેઇન સ્નેચિંગની ઘટનાના ગુનાનો ભેદ ઉકેલાયો છે. આ શખસ અગાઉ પણ ચેઇન સ્નેચિંગ, જુગાર અને મારામારીના ગુનામાં સંડોવાયેલો છે. મિત્રોના બાઇક લઇને આ ગેંગ ચેઇન સ્નેચિંગની ઘટનાને અંજામ આપતી હતી.
ગાંધીનગરમાં ચેઇન સ્નેચિંગની ઘટનાઓમાં સંડોવાયેલા આરોપીઓને પકડવા માટે એલસીબી-2ના પીઆઇ કે.જે.રાઠોડે એક્શન પ્લાન તૈયાર કરી અલગ અલગ ટીમોને ટાસ્ક સોંપ્યો હતો. આ ટીમોએ ઘટના સ્થળની મુલાકાત, ટેકનીકલ સર્વેક્ષણ, ચેઇન સ્નેચિંગની ઘટનામાં જે વાહનોનો ઉપયોગ થતો હોય તેવા વાહનોની ઓળખ માટે જિલ્લામાં પ્રવેશતા માર્ગોનો રોડ મેપ તૈયાર કરી અગાઉના આરોપીઓના ગુનાની એમઓના આધારે ડેટાબેજ તૈયાર કર્યો હતો. આ ઉપરાંત સ્થાનિક હ્યુમનસોર્સને પણ પ્રોત્સાહિત કરી સક્રિય કર્યા હતા. દરમિયાન એએસઆઇ નરેશભાઇ વિરજીભાઇ તથા પો.કો. અશ્વિનસિંહ સર્વેશ્વરસિંહ અને પો.કો. નરેશભાઇ પરબતભાઇને હ્યુમનસોર્સ દ્વારા મળેલી બાતમીના આધારે ગ રોડ પરથી એક્ટિવા ચાલકને ઝડપી લીધો હતો. આ શખ્સ સોનાનો ચેઇન વેચવાની ફિરાકમાં હતો. પોલીસે તેની પુછપરછ કરતા આ શખસ કુબેરનગરના છારાવાસમાં રહેતો સનાજી ઉર્ફે સાનિયો ભુપત ઠાકોર હોવાનું ખુલ્યુ હતું. તેના કબજામાંથી 1 સોનાનો ચેઇન જપ્ત કરાયો હતો. આ શખસે એક સપ્તાહ પુર્વે કલોલ ચામુંડા નગર વિસ્તારમાંથી તથા 10 મહિના પુર્વે અડાલજ ઝુંડાલ નર્મદા કેનાલ પાસેથી 1 ગાડીમાં બેઠેલ યુવતીના ગળામાંથી સોનાનો ચેઇનની ચીલઝડપ કરી હતી. તેની સામે અમદાવાદ ગાંધીનગરમાં જુગારધારા, મારામારી, ચેઇન સ્નેચિંગના ગુના નોંધાયેલા છે.
