નર્મદા પરિયોજનામાં ગુજરાત સહિત ભાગીદાર રાજ્યો વચ્ચે નાણાકીય લેતી-દેતી બાબતે થયેલા સમાધાનમાં ગુજરાતે મધ્યપ્રદેશ પાસેથી રૂ.251.62 કરોડ, રાજસ્થાન પાસેથી રૂ.271.13 કરોડ અને મહારાષ્ટ્ર પાસેથી રૂ.30.68 કરોડ મળીને કુલ રૂ.553.43 કરોડ લેવાના નીકળે છે. આ લેણાં 31મી માર્ચ, 2027 પહેલાં ગુજરાતને ચૂકવાઈ જશે, એવું કમિટમેન્ટ મંગળવારે નવી દિલ્હીમાં યોજાયેલી નર્મદા કંટ્રોલ ઓથોરિટીની રિવ્યૂ કમિટી- આરસીએનસીએની કમિટીની 15મી બેઠકમાં ઉક્ત ત્રણે રાજ્યો તરફથી ગુજરાતને મળ્યું હોવાનું જાણવા મળ્યું છે. કેન્દ્રીય જળસંપત્તિ મંત્રી સી.આર. પાટિલની અધ્યક્ષતામાં યોજાયેલી આ મિટિંગમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રૂબરૂ હાજર રહ્યા હતા, જ્યારે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના મુખ્યમંત્રીઓે વીડિયો કોન્ફરન્સથી મિટિંગમાં જોડાયા હતા. અગાઉ નર્મદા યોજનામાં નાણાકીય લેવડદેવડ બાબતે રાજ્યો વચ્ચે મેમોરેન્ડમ ઓફ એગ્રીમેન્ટ થયો હતો, જેને કાયદાનું સ્વરૂપ આપતાં આ એગ્રીમેન્ટને મંગળવારની મિટિંગની મિનિટ્સમાં આવરી લેવાયો હતો. નર્મદા યોજનામાં નાણાકીય લેતી-દેતીનો મામલો ઘણા સમયથી અટવાતો હતો, ચારે રાજ્યો વચ્ચે થયેલા સમાધાન પછી હવે નાણાકીય લેવડદેવડના મુદ્દાનો અંત આવે છે. મંગળવારની બેઠકમાં મુખ્યમંત્રીઓ અને અધિકારીઓએ એગ્રીમેન્ટને અનુમોદન આપ્યું હતું. આ બેઠકમાં મુખ્યમંત્રી સાથે તેમના અધિક અગ્રસચિવ ડૉ. વિક્રાંત પાંડે તથા એસએસએનએસએલના સીએમડી મૂકેશ પુરી જોડાયા હતા, જ્યારે મુખ્ય સચિવ મનોજ દાસએ વીડિયો કોન્ફરન્સથી હાજરી આપી હતી. ઉલ્લેખનીય છે કે ભાગીદાર રાજ્યો વચ્ચે બાકી નીકળતી રકમની ચુકવણી સીધી જ સંબંધિત રાજ્યને માર્ચ 2027 સુધીમાં પૂર્ણ કરતા વિવાદનો ઉકેલ આવશે.
