ગાંધીનગર જિલ્લામાં સરકારી આયોજનના અભાવે ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા સંપૂર્ણપણે અદ્ધરતાલ થઈ ગઈ છે. જિલ્લામાં 16મેથી નિયત કરાયેલી બાજરીની ખરીદી પ્રક્રિયા બારદાન (કોથળા) ઉપલબ્ધ ન હોવાના કારણે ભારે ખોરંભે ચડી છે. વહીવટી તંત્ર અને પુરવઠા વિભાગની અગમચેતીના અભાવે નિર્ધારિત તારીખ વીતી ગઈ હોવા છતાં જિલ્લાના મહત્વના ખરીદ કેન્દ્રો હજુ સુધી શરૂ જ થઈ શક્યા નથી, જેને પગલે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
ખરીદ કેન્દ્રો પર ખરીદી પ્રક્રિયા સાવ ઠપ્પ
ગાંધીનગર જિલ્લાના દહેગામ, કલોલ અને માણસા જેવા મોટા ખરીદ કેન્દ્રો પર ખરીદી પ્રક્રિયા સાવ ઠપ્પ થઈ ગઈ છે. ખેડૂતો પોતાનો માલ વેચવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવીને બેઠા છે, પરંતુ પુરવઠા વિભાગ પાસે અનાજ ભરવા માટેના બારદાન જ ઉપલબ્ધ ન હોવાથી ખરીદી અટકી પડી છે.
તંત્રનું વિચીત્ર બહાનું
આ મામલે વહીવટી અધિકારીઓ દ્વારા એવું વિચિત્ર બહાનું ધરવામાં આવી રહ્યું છે કે વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિની અસરના કારણે બારદાન સપ્લાય થવામાં વિલંબ થયો છે. જોકે, સરકારી આશ્વાસન મુજબ આગામી બે દિવસમાં બારદાનની વ્યવસ્થા કરીને ખરીદી ફરી શરૂ કરવામાં આવશે.
ભારતીય કિસાન સંઘ દ્વારા બેદરકારી સામે આકરા પ્રહારો
બીજી તરફ, ખેડૂતોના હિત માટે કામ કરતા ભારતીય કિસાન સંઘ દ્વારા આ ગંભીર બેદરકારી સામે આકરા પ્રહારો કરવામાં આવ્યા છે. કિસાન સંઘે તાત્કાલિક ધોરણે આ મામલે હસ્તક્ષેપ કરવા માટે રાજ્યના કૃષિ મંત્રીને રજૂઆત કરી છે. કિસાન સંઘનું કહેવું છે કે જો સરકારે ૧૬ મેથી ખરીદીની જાહેરાત કરી હતી, તો અગાઉથી બારદાનની વ્યવસ્થા કેમ ન રાખવામાં આવી? ખેડૂતોનો તૈયાર પાક ખુલ્લામાં પડ્યો હોવાથી તેમને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. હવે જોવાનું એ રહેશે કે તંત્રના બે દિવસના આશ્વાસન બાદ ખેડૂતોની મુશ્કેલીનો અંત આવે છે કે પછી આ લોલીપોપ સાબિત થાય છે.
આ પણ વાંચો---- Rajkot : બાબા બાગેશ્વરની કથા પહેલા જ વિવાદના મંડાણ, કથાના નામે પ્રપંચ ચાલતો હોવાનો આરોપ