સમસ્ત યુવા ભૂદેવ ટીમ ગાંધીનગર દ્વારા ભૂદેવ પ્રીમિયર લીગ (બીપીએલ) 2026ની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ક્રિકેટના મેદાનમાં સમાજની એકતા, સંગઠન અને યુવા શક્તિનો અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. સમાજના યુવા ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટનો મુખ્ય ઉદ્દેશ સમાજના યુવાનોમાં રમતગમત પ્રત્યેની રુચિ વધારવા સાથે એકતા, સંગઠન, ભાઈચારો અને સામાજિક સંવાદિતાની ભાવનાને મજબૂત બનાવવાનો હતો. સમગ્ર આયોજન દરમિયાન ખેલાડીઓએ ઉત્કૃષ્ટ રમતગમતની ભાવના અને ટીમવર્કનું પ્રદર્શન કર્યું હતું. આ પ્રસંગે આયોજક કૃષ્ણ જાની અને ડો. કેવલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, બીપીએલ માત્ર એક ક્રિકેટ ટુર્નામેન્ટ નથી, પરંતુ સમાજના યુવાનોને એક મંચ પર લાવવાનો, નવી પેઢીમાં એકતા, સંગઠન અને સામાજિક જવાબદારીની ભાવના વિકસાવવાનો એક પ્રયાસ છે. આગામી સમયમાં પણ સમાજના યુવાનોને પ્રોત્સાહિત કરવા અને સામાજિક એકતાને વધુ મજબૂત બનાવવા સમસ્ત યુવા ભૂદેવ ટીમ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે.
