અડાલજ પાસે આજે વહેલી સવારે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણના મોત થયા હતા. જ્યારે એક યુવાનને ગંભીર ઇજા થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. મૃતકોમાં બે યુવતીનો સમાવેશ થાય છે. યુવાનોનુ આ ગૃપ ગાંધીનગર ગરબા રમીને વ હેલી સવારે અમદાવાદ તરફ પરત ફરતુ હતુ ત્યારે તેમની વર્ના કારને અકસ્માત નડયો હતો. મૃતકોની ઓળખ ધ્રોળવિરસિંહ રાજપાલસિંહ રાણા (રહે. વસ્ત્રાલ, અમદાવાદ) , આસ્થા સંજયરાજ રાઠોડ (રહે. મુળ રાજકોટ, હાલ, આંબાવાડી ગર્લ્સ હોસ્ટેલ, અમદાવાદ) તથા વૈશ્વી શશાંકભાઇ શેઠ (રહે. બોડકદેવ, અમદાવાદ) તરીકે થઇ છે. જ્યારે સ્મિત નામનો યુવાન ગંભીર હોવાનું જાણવા મળ્યુ છે તેને સારવાર અર્થે ખાનગી દવાખાને ખસેડાયો છે. ઘટનાની જાણ થતા જ અડાલજ પોલીસ ઇન્સપેક્ટર દેસાઇ સહિતનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો. અકસ્માત ગાંધીનગર અમદાવાદ હાઇવે પર અડાલજ મહારાજા હોટલ પાસે બન્યો હતો. હુન્ડાઇની વર્ના કાર નંબર જીજે-01-કેડબલ્યુ- 5647 પ્રથમ ડિવાઇડર સાથે અથડાઇ હતી ત્યારબાદ તે ઝાડ સાથે અથડાઇને પલટી ખાઇ ગઇ હતી. આ કારમાં ઉપરોક્ત યુવાનો મુસાફરી કરી રહ્યા હતા. તેઓ ગાંધીનગર ગરબા જોવા આવ્યા હતા. વહેલી સવારે ગરબામાંથી પરત ફરીને અમદાવાદ તરફ જતા હતા ત્યારે ઉપરોક્ત સ્થળે કાર ચાલકે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. પ્રાથમિક તપાસમાં જ કાર ફુલસ્પીડમાં હોવાનું જણાઇ આવ્યુ હતું. અકસ્માત બાદ કાર પલટી ખાઇ ગઇ હતી. જેમાં ઘટના સ્થળે જ ધ્રોળવિરસિંહ રાણા તથા આસ્થા રાઠોડનું મોત નિપજ્યુ હતું. જ્યારે વૈશ્વી શેઠ તથા સ્મિત નામના યુવાનને સારવાર માટે કેડી હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં વૈશ્વીએ અંતિમ શ્વાસ લેતા મૃત્યુઆંક ત્રણ પર પહોંચ્યો હતો. અકસ્માતમાં કારનો બુકડો બોલી ગયો હતો. મૃતકોને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જે રીતે યુવાનોને ગંભીર ઇજા પહોંચી હતી તે જોતા તેઓએ સીટબેલ્ટ બાંધ્યો નહી હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જણાઇ રહ્યુ છે. ઘટનાના પગલે પોલીસે પરિવારજનોને જાણ કરીને મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી હતી. પ્રાપ્ત વિગતો મુજબ, આ અકસ્માતમાં જાન ગુમાવનાર આસ્થા એમબીબીએસની વિદ્યાર્થીની હતી. તે મુળ રાજકોટની રહેવાસી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો