15મી ઓગસ્ટ સુધી રાજ્યમાં ચાલી રહેલી હર ઘર તિરંગા યાત્રાના દોર વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બુધવારે એક જ દિવસમાં વિદ્યાર્થીઓ, યુવા કેન્દ્રીત વિવિધ યોજનાઓના રૂ.1043 કરોડનુ વિતરણ કર્યુ હતુ. જેમાં નમો લક્ષ્મી, નમો સરસ્વતી યોજના હેઠળ મુખ્યમંત્રી દ્વારા 4.57 લાખથી વધુ વિદ્યાર્થીઓને રૂ.646 કરોડની સહાય સીધી બેંક એકાઉન્ટમાં જમા થઈ છે. જ્યારે નાયબ મુખ્યમંત્રીએ રૂ.388 કરોડના ખર્ચે 37 સ્પોટર્સ સંકુલ- લાઈબ્રેરીનુ લોકાર્પણ તેમજ ખાતમુર્હત કર્યુ હતુ. 799 ખેલાડીઓને એવોર્ડ આપ્યા હતા.
નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ 10 અને 12ની પરીક્ષામાં ઉત્તીર્ણ ચાર લાખથી વધારે વિદ્યાર્થીનીઓને રૂ.513 કરોડથી વધારે સહાય ચુકવાઈ છે. જ્યારે નમો સરસ્વતી હેઠળ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં ઉત્તીર્ણ 57 હજારથી વધુ વિદ્યાર્થીઓને રૂ.28 કરોડથી વધુ સહાય આપવામાં આવી છે. સ્વર્ણિમ સંકૂલમાં યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ કહ્યુ કે, શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરીને રાજ્ય સરકારે વિદ્યાર્થીના શિક્ષણને પ્રોત્સાહન આપ્યુ છે. ખાસ કરીને દીકરીઓ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરે તે માટે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાઓના સારા પરિણામો મળ્યા છે.
