મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે મહુન્દ્રા ગામે પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતના મોડેલ ફાર્મની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ ગૌશાળામાં ગાયોના રખરખાવ અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની માહિતી મેળવી હતી. મુખ્યમંત્રીએ પ્રાકૃતિક ફાર્મની મૂલાકાત લઈને મહુન્દ્રાના ગ્રામજનો સાથે ખાટલે બેસીને સહજ સંવાદ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા બેક ટુ બેઝિકના વિચારને ગ્રામીણ ખેડૂતો સુધી વ્યાપક પણે પહોંચાડવાનો નવતર અભિગમ મુખ્યમંત્રીએ પ્રાકૃતિક કૃષિ ફાર્મની પ્રત્યક્ષ મૂલાકાતથી અપનાવ્યો છે. મહુન્દ્રાની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આપણી ભવિષ્યની પેઢીને બચાવવા માટે પ્રાકૃતિક ખેતી જ સાચો વિકલ્પ છે. 

તેમણે સ્પષ્ટ કર્યું કે, રાસાયણિક ખાતરોના અતિશય ઉપયોગથી થતા ગંભીર રોગો સામે માનવ સ્વાસ્થ્યને બચાવવાનો અને માનવજાત તથા જમીનનું સ્વાસ્થ્ય સુધારવાનો આ સેવા યજ્ઞ છે. જમીનમાં કાર્બનનું પ્રમાણ ચિંતાજનક રીતે ઘટી ગયું છે. જમીન અને માનવ શરીર બંનેનું સ્વાસ્થ્ય સુધરે તે માટે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર મજબૂત વિકલ્પ છે. તેમણે દરેક નાગરિકને કુદરતી સંસાધનોના સંરક્ષણની જવાબદારી ઉપાડવા અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રીએ રોજબરોજની જીવનશૈલીમાં પણ પર્યાવરણ પૂરક બદલાવ લાવવા અપીલ કરી હતી. શાકભાજી કે અન્ય ચીજવસ્તુઓના વેચાણમાં પ્લાસ્ટિકની કોથળીઓના સ્થાને કાગળની થેલીઓનો ઉપયોગ કરવા પર તેમણે ભાર મૂક્યો હતો. મુખ્યમંત્રીએ શિવપુરા કંપા ખાતે પ્રગતિશીલ ખેડૂત શાંતિલાલ પટેલના મોડલ ફાર્મની પણ મુલાકાત લીધી હતી.