મોરબી જિલ્લામાં NHAIના રોડના એલાઇનમેન્ટમાં સંપાદન સહિતની કાયદાકીય પ્રક્રિયા વગર જ ખાનગી જમીનનો ઉપયોગ કરી લેવાયાનું કાને પડતા જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કલેક્ટર,NHAI, માર્ગ મકાન (R&B)વિભાગના અધિકારીઓનો આકરા શબ્દોમાં ઉધડો લીધો હતો. ચોથા ગુરૂવારે મુખ્યમંત્રી સ્વાગત ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ વગર સંપાદને મોરબીની જમીનમાંથી હાઈવેનું એલાઈનમેન્ટ નિરસ્ત કરી આ પ્રકરણમાં ઝડપી નિકારણ લાવવા આદેશ કર્યો છે. મોરબીના એક નાગરિકની ફરિયાદ સાંભળીને મુખ્યમંત્રી સ્વંય આવક થઈ ઉઠયા હતા. અધિકારીઓને ખખડાવતા તેમણે રોડ ખોદી કાઢવો હોય તો ખોદી કાઢો પણ આ રીતે વગર પ્રક્રિયાએ કોઈની જમીનમાંથી હાઈવે કેવી રીતે બનાવાય આ પ્રશ્ને તત્કાળ ઉકેલ ને જવાબદારો સામે તપાસ સહિતના એક્શન લેવા આદેશ કર્યો હતો. તેમણે હાઈવે દૂર કરીને જમીન જેમની છે તે અરજદારને પાછી આપવા કહ્યુ છે. અમદાવાદ ઘાટલોડિયામાં એક નાગરીકના ઘરનો કબ્જો ધાક-ધમકીથી ગેરકાયદેસર રીતે અન્ય લોકોએ મેળવ્યાના પ્રશ્નમાં પણ મુખ્યમંત્રીએ પોલીસ કમિશનરનો ક્લાસ લીધો હતો. ગેરકાયદેસર કબજાને તાત્કાલિક ખાલી કરાવી અરજદારને તેમના ઘરનો કબજો સોંપવા આદેશ કર્યો હતો. વડોદરા શહેરના તાંદલજા તળાવમાં દુષિત પાણી આવવા તેમજ તળાવના બ્યુટીફ્કિેશન અંગેની રજૂઆત સંદર્ભે મુખ્યમંત્રીએ મ્યુનિસિપલ કમિશનરને ગંદું પાણી ન આવે તે માટે પાઇપલાઇન નાખી દુષિત પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવા, ગટરની મુખ્ય લાઇન બદલવા તેમજ તળાવના બ્યુટીફ્કિેશનની કામગીરી ઝડપી પૂર્ણ કરવાની સૂચના આપી હતી.
