ગાંધીનગરની કોર્ટમાં પાંચ લાખનો ચેક પરત ફરવાનો કેસ ચાલી રહ્યો હતો. જેમાં કોર્ટે ફરિયાદ પક્ષના વકીલની દલીલો પુરાવાઓ વગેરે ધ્યાને લઈને આરોપીને એક વર્ષની કેદની સજા અને રૂપિયા પાંચ લાખ વળતર તરીકે ચુકવી આપવા માટે હુકમ કર્યો હતો. ચાંદખેડાના જનતાનગરમાં રહેતા અશ્વિની શર્મા બાલાજી ગ્રીન્સ ફોર્મ એન્ડ બેન્કવેટ હોલ ભાડેથી ચલાવે છે અને ગોહિલ અશ્મિતા રસિકભાઈ (રહે. રોહિતનગર સીવીલ હોસ્પીટલ પાછળ અમદાવાદ)એ તેમનો બેંક વેટ હોલ તહેવાર ઉજવવા માટે ભાડે રાખ્યો હતો. અશ્વિનીકુમારએ તેમને બાઉન્સર ડીજે તેમજ જમવાની વ્યવસ્થા કરી આપી હતી. જેના ભાડાની રકમ પેટે પાંચ લાખ લેવાના થતા હતા. જેની સામે ગોહિલ અશ્મિતા રસિકભાઈએ રૂપિયા પાંચ લાખનો ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાં ભરેથી તેમના પૈસા મળી જશે તેઓ વિશ્વાસ આપ્યો હતો. જેથી તેઓએ ચેક બેંકમાં જમા કરાવતા એકાઉન્ટ બ્લોકના શેરા સાથે ચેક પરત આવ્યો હતો. જેથી તેઓએ આરોપીને એડવોકેટ મારફતે લીગલ નોટીસ આપી હતી. તેમ છતાં તેઓએ નોટીસનો અમલ નહી કરતા તેમની સામે ગાંધીનગરની કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે ફરિયાદ કોર્ટમાં ચાલી જતા ફરિયાદ પક્ષના વકીલ આઈ.ઝેડ.મન્સુરી અને સુભાષ આર. શ્રીવાસ્તવની દલીલો અને પુરાવાઓ વગેરેને ધ્યાને લઈને કોર્ટે આરોપીને એક વર્ષની સાદી કેદની સજા અને રૂપિયા પાંચ લાખ વળતર તરીકે આરોપીએ ફરિયાદીને ચુકવી આપવા માટે હુકમ કર્યો હતો.
