કડી તાલુકાના કલ્યાણપુરા રોડ પર આવેલી માઇનોર કેનાલ નજીક ભેંસોની લેતી-દેતીની જૂની અદાવતને પગલે યુવક પર જીવલેણ હુમલો કરાયાનો ચકચાર મચાવતો બનાવ સામે આવ્યો છે. પત્ની અને અઢી વર્ષની માસૂમ પુત્રીની નજર સામે જ ચાર શખ્સોએ ધારિયું અને લાકડીઓ વડે હુમલો કરી યુવકને ગંભીર ઇજાઓ પહોંચાડતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર મામલે કડી પોલીસે ચાર આરોપીઓ સામે ગુનો નોંધી તેમની શોધખોળ શરૂ કરી છે.
અમદાવાદની ખાનગી કુરિયર કંપનીમાં નોકરી કરતા અને હાલ કલોલ ખાતે રહેતા રમેશભાઈ નારણભાઈ રબારી (ઉં.વ. 34) ગત 29 જૂનના રોજ સાંજે પત્ની ધ્રુવબાલા અને અઢી વર્ષની પુત્રી વીરા સાથે કાસવા ગામે ગોગા મહારાજના મંદિરે દર્શન કરીને એક્ટિવા પરત લઈને આવી રહ્યા હતા. તે દરમિયાન કડી-કલ્યાણપુરા રોડ પર નર્મદા મેઈન કેનાલ નજીક એક કાળા રંગની સ્કોર્પિયો કાર તેમની આગળ આવીને ઊભી રહી હતી.
