રાજ્યના ગૃહ વિભાગે અગ્નિવીરોને તેમની સેવા પૂર્ણ કર્યા બાદ ગુજરાત સરકારના પોલીસ ફોર્સમાં 20 ટકા અનામત જગ્યાઓ ઉપર લેખિત અને શારિરિક પરીક્ષા વગર નોકરી આપવાનો નિર્ણય કર્યો છે. ગૃહ વિભાગે તેના માટે બે અલગ અલગ ગેઝેટ પ્રસિધ્ધ કરીને નિયમોમાં બદલાવ કર્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ અગ્નિવીર તરીકે જોડાયેલા 40થી વધુ ગુજરાતી જવાનોને આગામી સમયમાં તેનો સૌથી પહેલો લાભ મળશે.વિભાગના નાયબ સચિવ ચિરાગ પટેલની સહીથી શુક્રવારે પ્રસિધ્ધ ગેઝટમાં કહેવાયુ છે કે, પોલીસ તંત્રમાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર-PSI, હથિયારી કોન્સ્ટેબલ, જેલ સિપાહી, જેલર, SRPFકોન્સ્ટેબલ એમ વિવિધ જગ્યાઓ ઉપર પહેલાથી જ પૂર્વ અગ્નિવીરો માટે 20 ટકા જગ્યાઓ અનામત રખાઈ છે. આ જગ્યાઓ ઉપર હવે પૂર્વ અગ્નિવીરોની પરીક્ષા વિના સીધી નોકરી આપવા માટે નિર્ણય થયો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યુ કે, ગુજરાત સરકારે તેમને શારીરિક કાર્યક્ષમતા કસોટીમાંથી અગાઉ મુક્તિ આપી હતી. હવે લેખિત એમ બેઉ પરીક્ષામાંથી મુક્તિ અપાઈ છે. પોલીસમાં નોકરી મેળવવા ઇચ્છતા ભૂતપૂર્વ અગ્નિવીરો માટે ભરતી પ્રક્રિયા સરળબનશે. વયમર્યાદામાં પણ 5 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે. તેમણે દેશની સુરક્ષા માટે યુવાનીમાં સરહદો ઉપર દિવસ- રાત ફરજ બજાવનાર અગ્નિવીરો ગુજરાત પોલીસ સાથે ખભેખભો મિલાવીને કામ કરશે, જેનાથી પોલીસ ફોર્સ વધુ મજબૂત બનશે.
