કાલોલ નગરના પોરવાડ ફ્ળિયામાં આવેલું જર્જરિત મકાન ચોમાસા પહેલા ઉતારી લેવા સ્થાનિક રહીશો દ્વારા પાલિકામાં રજૂઆત કરાઈ છે.
કાલોલ નગરના પોરવાડ ફ્ળિયામાં આવેલું વર્ષો જૂનું મકાન હાલ અત્યંત જર્જરિત હાલતમાં હોવાથી ચોમાસામાં ગમે ત્યારે ધરાશાયી થાય તેવી ભીતિ સેવાઈ રહી છે. આ જોખમી મકાનની આસપાસ સતત બાળકો રમત-ગમત કરતા હોય છે તેમજ ફ્ળિયાના લોકો પણ તેમના વાહનો પાર્ક કરતા જોવા મળે છે. મકાન એટલું ખખડધજ થઈ ગયું છે કે, ઇંટો અને છતના પતરા અવાર નવાર નીચે પડતા હોવાથી માર્ગ રાહદારીઓને પણ ગમે ત્યારે વાગવાનો ભારે ભય સતાવી રહ્યો છે. પોરવાડ ફ્ળિયાના સ્થાનિક રહીશોએ આ અંગે એક વર્ષ પહેલા નગરપાલિકામાં લેખિત અરજી આપીને રજૂઆત કરી હતી. જે બાદ પાલિકાએ મકાનમાલિકને નોટિસ આપી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરાઈ નહતી, જેને પગલે એક વર્ષથી મકાન યથાવત જોવા મળે છે.










