વૈશ્વિક સ્તરે પ્રવર્તી રહેલી અશાંતિ અને યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ રાજદ્વારી પ્રયાસોને કારણે LPGનો જથ્થો લઈને ભારતનું ‘શિવાલિક’ જહાજ સુરક્ષિત રીતે ગુજરાતના મુંદ્રા બંદરે પહોંચ્યું છે. આ મહત્વપૂર્ણ સફળતા અંગે રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ આજે ગુજરાત વિધાનસભા ગૃહમાં ગૌરવભેર માહિતી આપી હતી.
સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી સુરક્ષિત પસાર
ગૃહમાં સંબોધન કરતા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, હાલમાં ઈરાન, ઇઝરાયેલ અને અન્ય દેશો વચ્ચે જે પ્રકારનું સંકટ ઘેરાયેલું છે અને યુદ્ધનું વાતાવરણ છે, તેવા સમયે ભારતનું LPG ગેસ ભરેલું શિવાલિક જહાજ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી સુરક્ષિત પસાર થઈને મુંદ્રા બંદરે ગુજરાતની ધરતી પર આવી પહોંચ્યું છે. આ ઉપરાંત અન્ય એક ‘નંદદેવી’ જહાજ પણ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી સુરક્ષિત પસાર થઇ ગયું છે અને આવતીકાલે ગુજરાતના વાડીનાર બંદરે પહોંચશે.
પીએમના ડિપ્લોમેટીક સંબંધો
મંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની સરાહના કરતા ઉમેર્યું કે, વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ ડિપ્લોમેટીક રીતે ભારત આજે વિશ્વમાં એક અલગ ઊંચાઈ પર પહોંચ્યું છે. આ ડિપ્લોમેટીક સંબંધોના પરિણામે જ યુદ્ધ જેવી અશાંતિ વચ્ચે પણ ભારતના જહાજ સુરક્ષિત રીતે પસાર થઈ ચૂક્યા છે.
આ ‘નવું ભારત’ છે
તેમણે રશિયા-યુક્રેન યુદ્ધના સમયને યાદ કરતા કહ્યું કે, તે સમયે વડાપ્રધાનના પ્રયાસોથી રશિયા અને યુક્રેનમાંથી યુદ્ધ રોકીને જે રીતે ભારતીય વિદ્યાર્થીઓને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા, તેવી જ કુશળતા આજે ફરી એકવાર જોવા મળી રહી છે. આ ‘નવું ભારત’ છે જેની તાકાત સમગ્ર વિશ્વ જોઈ રહ્યું છે.
ડિપ્લોમેટીક સફળતા
મંત્રી જીતુભાઈ વાઘાણીએ અંતમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનની આ નીતિ અને ડિપ્લોમેટીક સફળતાને આપણે વધાવવી જોઈએ. તેમણે વિધાનસભા ગૃહના માધ્યમથી ગુજરાતની જનતા વતી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરીને ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો---- Kutch : 54000 મેટ્રિક ટન ગેસનો જથ્થો લઇને શિવાલિક જહાજ મુંદ્રા પોર્ટ પર પહોંચ્યું, નંદાદેવી જહાજ આવતીકાલે ભારત પહોંચશે