ગાંધીનગર મહાપાલિકાને 50 ઈ-બસો મળવાની ઘડીઓ ગણાય રહી છે. પરંતુ આ ઈ-બસોના સંચાલન માટે હજુસુધી મહાપાલિકાને એજન્સી મળી શકી નથી.
મહાપાલિકા દ્વારા ઈ-બસોના સંચાલન માટે એજન્સીની શોધખોળ હજુ ચાલુ છે. તંત્ર દ્વારા એજન્સી શોધવા માટે બીજીવાર ઈ-ટેન્ડર કરવામાં આવ્યું છે. પહેલા પ્રયત્નમાં નિષ્ફળતા હાથ લાગતાં બીજો પ્રયત્ન કરવામાં આવ્યો હોવાની વિગતો છે.
ગાંધીનગર મહાપાલિકાને 100 ઈ-બસો ફાળવવામાં આવનાર છે તે પૈકી 50 જેટલી ઈ-બસો પ્રથમ ફાળવાશે. ઈ-બસના સંચાલન માટે બજેટમાં દસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ઉપરાંત બસોના સંચાલન માટે સરગાસણ ખાતે 19.10 કરોડના ખર્ચે પીએમ ઈ.બસ ડેપોની કામગીરી ચાલી રહી છે. ઉપરાંત સંચાલન માટે સ્પેશ્યલ પર્પઝ વ્હીકલ કમિટીની પણ રચના કરી દેવામાં આવી છે. પરંતુ ઈ.બસોના સંચાલન માટે ગાંધીનગર મહાપાલિકાને એજન્સીઓ નથી મળી શકી. અગાઉ સિટી બસ સર્વિસીસ માટે પ્રોજેક્ટ મેનેજમેન્ટ સર્વિસીસ પ્રોવાઈડર એજન્સી નક્કી કરવા તંત્ર દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. પરંતુ પ્રથમ પ્રયાસમાં નિષ્ફળતા હાથ લાગી એટલે ઈ-ટેન્ડરીંગ માટે બીજો પ્રયત્ન કરવો પડયો છે. ટૂંકી મુદતનું આ ટેન્ડર છે. એજન્સીઓ પાસેથી ભાવો મંગાવવામાં આવ્યા છે. ટેન્ડરના બીજા પ્રયત્નમાં મહાપાલિકાને એજન્સી મળે છે કે નહિ તે જોવાનું રહ્યું.
હજુ થોડાક દિવસો પહેલા જ ભાવનગર મહાપાલિકાને 50 ઈ-બસો ફાળવવામાં આવી છે અને ઈ-બસો શહેરમાં દોડતી પણ થઈ ગઈ છે. ગાંધીનગર શહેરને પણ આગામી માર્ચ મહિનામાં 50 ઈ-બસો ફાળવવામાં આવશે. જેની ઘડીઓ ગણાય રહી છે. પરંતુ ગાંધીનગર જેવી સિટીમાં ઈ-બસોના સંચાલન માટે કોર્પોરેશનને હજુસુધી એજન્સી હાથ નથી લાગી તેને લઈને આૃર્ય સર્જાયું છે. મ્યુનિ તંત્રને પણ મુંઝવણ છે. કારણકે રાત ટૂંકીને વેષ ઝાઝા જેવો ઘાટ છે. દિવસો પસાર થઈ રહ્યા છે. કેન્દ્ર સરકારમાંથી 50 ઈ-બસો આવી જશે તો મહાપાલિકા આ બસોને શહેરમાં દોડાવશે કેવી રીતે. શરૂમાં 17 રૂટ પર ઈ-બસો દોડાવવાનો નિર્ણય છે. પરંતુ અહીં તો ઈલેક્ટ્રીક બસોના સંચાલન માટે પહેલા તો એજન્સી મળવી જરૂરી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો