કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન સર્વ નેતૃત્વના પૂર્વ તાલીમાર્થી દ્વારા કૈલાશધામ વૃધ્ધાશ્રામ ખાતે વડીલ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં વૃધ્ધાશ્રામમાં રહેતા વડીલો સાથે આ યુવા ગૃપે સમય વીતાવ્યો હતો. વડીલો સાથેની વાર્તાલાપ થકી તેમની લાગણીઓને સમજવાનો પ્રયાસ કર્યો હતો.
પૂર્વ તાલીમાર્થીઓમાં 12 યુવતી અને 9 યુવક આ વડીલ વંદના કાર્યક્રમમાં જોડાયા હતા. આ કાર્યક્રમનો મુળ ઉદ્દેશ્ય વૃધ્ધોને એકલતાથી મુક્ત કરી સમાજમાં તેમનું મહત્વ સમજાવવા અને વસુધૈવ કુટુંબકમની ભાવના વિકસાવવા યોજાય છે. અહીં પણ આ યુવા ગ્રૂપે કૈલાશધામ વૃધ્ધાશ્રામમાં રહેતા અંતેવાસીઓની સાથે વિવિધ આનંદદાયક રમતો અને મનોરંજન પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. વડીલોના જીવનના અનુભવો જાણવાનો પ્રયાસ કર્યો હતો. વડીલો પાસેથી સકારાત્મક ઉર્જા અને આશીર્વાદ મેળવ્યા હતા. વિદ્યાર્થીઓએ આશરે 70થી વધુ વયસ્ક વડીલોની વંદના કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. વિદ્યાર્થીઓએ વડીલો સાથે એક હકારાત્મક સમય પસાર કર્યો હતો. કાર્યક્રમના અંતે બંને પક્ષે ભાવુક વાતાવરણ સર્જાયું હતું, અનેકની આંખો ભીની થઈ ગઈ હતી. ફરી મળીશું એવા ભાવ સાથે વિદાય લીધી હતી. ભાગદોડ ભરી દુનિયામાં ક્યાંક કશુંક છુટી રહ્યું છે. ખાસ કરીને વડીલો હાંસિયામાં ધકેલાવા લાગ્યા છે. વડીલો પ્રત્યેની સંવેદના ખૂટવા લાગી છે. ધીરજ જતી રહી છે. જીવનના આખરી પડાવમાં હૂંફ અને લાગણી મળવાના બદલે વડીલો એકલતા સામે ઝઝૂમવા જાણેકે મજબૂર બન્યા છે. ત્યારે આ પ્રકારે વડીલ વંદના કાર્યક્રમ વડીલોની કેટલીક પળોને આનંદદાયક બનાવી દે છે.
