ગુજરાતમાં ગત પહેલી એપ્રિલે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી જાહેર થઈ ત્યારથી માંડીને 22 એપ્રિલ સુધીમાં કુલ રૂ.27 કરોડની કિંમતની ઇંગ્લીશ દારૂની બોટલો તથા રૂ.1 કરોડ 76 લાખની કિંમતનો દેશી દારૂ પકડાયો છે. જ્યારે આ દારૂના ટ્રાન્સ્પોર્ટેશનમાં વપરાતા વાહનો સહિત રૂ.1 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. દારૂનો આ જથ્થો સામાન્ય સંજોગોમાં પકડાતાં જથ્થા કરતાં વધુ હોવાનું જણાવાઈ રહ્યું છે. આ 22 દિવસના ગાળામાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની વિવિધ કલમો હેઠળ કુલ 1 લાખ 70 હજાર જેટલા ઈસમો સામે અટકાયતી પગલાં લેવાયા છે. આમાં પાસા, તડીપારના ગુનામાં સંડોવાયેલા આરોપીઓ સહિત વારંવાર અસામાજિક પ્રવૃત્તિ કરતાં તત્ત્વો પણ સામેલ છે. સૂત્રો કહે છે કે, સ્થાનિક ચૂંટણીઓ શાંતિપૂર્ણ અને ન્યાયી ઢબે યોજાય તે માટે અત્યાર સુધી કુલ 22 હજારથી વધુ ઈસમો સામે બિનજામીનપાત્ર વોરન્ટ ઈશ્યૂ કરાયા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઈલેક્શનના સંદર્ભે પરવાના હેઠળના ખાનગી હથિયારો જમા લેવાની 99.98 ટકા કાર્યવાહી પૂર્ણ થઈ ચૂકી છે, જેમાં અત્યાર સુધી રાજ્યભરમાંથી કુલ 52 હજારથી વધુ હથિયારો જે તે પોલીસ સ્ટેશનોમાં જમા લેવાયા છે. ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે આવતીકાલ ગુરુવારે મતદાન યોજાનારું છે, જ્યારે રાજ્યના 95 ટકા મતદારો આવરી લેતી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી માટે રવિવારે મતદાન થનારું છે. આ ચૂંટણીઓ સંદર્ભમાં પોલીસ તંત્ર દ્વારા ઉપરોક્ત પગલાં લેવાયા છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: