કાલોલ તાલુકાના અલવા, તરવડા અને કંડાચ ગામના ખેડૂતોએ એકત્રિત થઈને બુધવારે એમજીવીસીએલ કચેરી અને મામલતદારને આવેદનપત્ર આપીને જ્યોતિગ્રામ અને એગ્રીકલ્ચરનો વીજપુરવઠો નિયમિત કરવાની લોકમાંગ કરી હતી.
કાલોલ એમજીવીસીએલ વિભાગની કચેરી ખાતે ખેડૂતોએ આવેદન સાથે ભારે આક્રોશ વ્યક્ત કરીને જણાવ્યું હતું કે પાછલા દોઢ બે મહિનાથી પ્રિમોન્સુન કામગીરી હાથ ધરવા છતાં તાજેતરમાં ચોમાસું સિઝન પહેલાં જ પાછલા એક બે અઠવાડિયાથી વીજપુરવઠો અવારનવાર ખોરવાઈ રહ્યો છે, જ્યારે વાવાઝોડાની અસર હેઠળ એગ્રીકલ્ચરનો વીજપુરવઠો તદ્દન ઠપ જોવા મળે છે. જેને કારણે કંડાચ, અલવા અને તરવડા ગામના ખેડૂતોએ ઉનાળું સિઝનમાં વાવણી કરેલ ચોળી, કોરા, દુધી, ગુવાર, ભીંડા વિગેરે શાકભાજીને પાછલા દિવસોમાં વીજ પુરવઠો બંધ થવાને કારણે મોટાભાગના શાકભાજીના પાકને સમયસર પાણી નહીં મળવાથી પાક નિષ્ફ્ળ ગયો હોવાનો આક્રોશ ઠાલવ્યો હતો.










