માણસા શહેરમાં કલોલ રોડ પર આવેલા ચાવડાનગરમાં છેલ્લા ઘણા સમયથી પીવાનું ગંદુ અને દુર્ગંધ યુક્ત પાણી આવી રહ્યું છે. જે બાબતે રહીશોએ અનેક વખત રજૂઆત કરી હોવા છતાં તેનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. ગાંધીનગર અને દહેગામમાં દૂષિત પાણીથી લોકો બિમાર પડયાં હોવાની સ્થિતિ વચ્ચે માણસા પંથકમાં પણ રોગચાળો માથું ઉંચકે તેવી ભીતિ છે. અહીંના લોકો દુર્ગંધ યુક્ત પાણી વાપરવા મજબુર બન્યા છે, જ્યારે પાલિકા દ્વારા ટેન્કર મોકલી અથવા રીપેરીંગ કરી આપવાની હૈયાધારણા અપાઈ


રહી છે.

પ્રાપ્ત માહિતી મુજબ માણસાના ચાવડાનગરમાં રહેતા લોકો છેલ્લા ઘણા સમયથી દૂષિત પાણીની સમસ્યાથી પરેશાન છે. રહીશોના આક્ષેપ મુજબ છેલ્લા એક વર્ષથી તેઓ આવા દુર્ગંધ યુક્ત પાણીથી પરેશાન છે અને આ બાબતે અનેક વખત નગરપાલિકામાં રજૂઆત પણ કરવામાં આવી છે. જોકે પાલિકા પાણીના ટેન્કર મોકલી સંતોષ માની લે છે અથવા તપાસ કરાવી લઈશું તેવા જવાબ આપી દે છે. આ વર્ષમાં ઘણા શહેરીજનો ગંભીર બીમારીનો ભોગ પણ બન્યા છે જેથી ભવિષ્યમાં ગંભીર રોગચાળો ફાટી નીકળવાની પણ ત્યાંના લોકોમાં દહેશત રહેલી છે. કલોલ રોડ પર અન્ય વિસ્તારમાં રહેતા લોકોએ પણ છેલ્લા એક વર્ષમાં ગંદા પાણી બાબતે ફરીયાદો કરેલી છે. ગાંધીનગર શહેરમાં હાલ ટાઈફોઇડનો કહેર ચાલી રહ્યો છે, તેવા સમયે માણસા નગરપાલિકા દ્વારા શહેરીજનોને પીવાનું ચોખ્ખું પાણી મળે તેવી આ વિસ્તારના લોકોની માંગ કરી રહ્યા છે. માણસા શહેરમાં નવી પાઇપલાઇનનો નાખવામાં આવી છે, તેમાં ઘણી જગ્યાએ પીવામાં પાણીની અને ગટરના પાણીની લાઈન એકદમ નજીક નાખેલી છે. તેનાથી પણ ભવિષ્યમાં મોટો ખતરો હોવાની સંભાવના શહેરીજનો વ્યક્ત કરી રહ્યા છે.  સામાન્ય રીતે ઉનાળામાં પાણીજન્ય રોગચાળો વકરતો હોય છે. ત્યારે પાણી બરાબર નહીં હોવાની ફરિયાદો ઉઠે છે અને રોગચાળામાં લોકો ફસાતા હોય છે. તેના બદલે શિયાળામાં પાણીજન્ય રોગચાળો વકરતા આશ્ચર્ય ફેલાયું છે. તેના માટે ઋતુ કરતા પણ તંત્રની બેદરકારી હોવાનું જણાઈ આવે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: