ગાંધીનગર એસટી ડેપોથી સરખેજ જતી ઈલેક્ટ્રિક એસી બસ સર્વિસની પાંચ જેટલી ટ્રીપો ચ-0, રક્ષા શક્તિ સર્કલ, રિલાયન્સ ચોકડી થઈને જશે.


મુસાફરોની માંગણીને ધ્યાને લઈને માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા આ નિર્ણય લેવાયો છે. ગાંધીનગર સરખેજની ઈલેક્ટ્રિક AC રૂટની પાંચ બસોના રૂટમાં ફેરફાર કરાયો છે. જેમાં સવારે 8:05 કલાકે ઉપડતી જીઈબીથી સરખેજ ઉજાલા, સવારે 9:20 કલાકે સેક્ટર-28/29થી સરખેજ ઉજાલા, બપોરે 3-30 કલાકે પથિકાથી સરખેજ તથા સાંજે 5 : 15 કલાકે ઉપડતી ગીફ્ટસિટીથી સરખેજ તથા મોડી સાથે 6:50 ઉપડતી સેક્ટર-28/29થી સરખેજ ઉજાલા બસ વાયા કુડાસણ થઈ જશે. જેમાં ચ-0, રક્ષા શક્તિ સર્કલ, રિલાયન્સ ચોકડી, ડી-માર્ગ સરગાસણ થઈને અડાલજ ચોકડી, વૈષ્ણોદેવી, ગોતા, સોલા સિવિલ, હાઈકોર્ટ, થલતેજ, ઈસ્કોન, સરખેજ તરફ બસ જશે. અત્યાર સુધી આ એસી ઈલેક્ટ્રિક બસો ઘ-0થી સરગાસણ તરફ વળીને જતી હતી. જેને પગલે ન્યુ ગાંધીનગર વિસ્તારના ઘણા મુસાફરોને ઘ-0 કે સરગાસણ જવાની ફરજ પડતી હતી. મુસાફરોની માંગણીને ધ્યાને રાખીને માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા બસનો રૂટ બદલાયો છે. જેને પગલે બસ સેવાનો લાભ લેતા ઘણા મુસાફરોને તેનો સીધો ફાયદો થશે.


  • Follow us on: