1લી ડિસેમ્બરથી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર ડ્રગ્સ વેચનારાને જેલભેગા કરશે. કાળી ચૌદશના દિવસે કેન્દ્ર અને ગુજરાતના ગૃહ વિભાગની અમે જે મીટિંગ કરી, તેમાં સૌથી મહત્વની ચર્ચા ડ્રગ્સ-નશામુક્ત ગુજરાતની થઈ છે. અમારી સરકાર 1લી ડિસેમ્બરથી 1033 ટોલ ફ્રી નંબર શરૂ કરશે. અમદાવાદમાં, ગુજરાતમાં ક્યાંય પણ ડ્રગ્સની પડીકીનું વેચાણ થતું હોય તો આ નંબર પર લખાવી દેજો. કોઈનું નામ જાહેર નહીં થાય. સરકાર ડ્રગ્સ વેચનારાઓની પાછળ પડશે'-ભારત સરકારના ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે સોમવારે અમદાવાદની સૌથી મોટી ઝૂંપડપટ્ટી રામાપીરના ટેકરે 700 આવાસોના લોકાર્પણ વેળાએ આ જાહેરાત કરી હતી. દિવાળી અને ગુજરાતી નવવર્ષની વચ્ચેના પડતર દિવસે 'ઝૂંપડું ત્યાં જ ઘર' યોજના હેઠળ ગાંધી આશ્રમ નજીક રામાપીરના ટેકરામાં દાયકાઓથી વસવાટ કરનારા પરિવારોની બીજી-ત્રીજી પેઢીને અદ્યતન આવાસના લોકાર્પણ વેળા અમિત શાહે 80ના દાયકાની પોતાની રાજકીય-સામાજિક કારકિર્દીને યાદ કરી હતી. તેમણે કહ્યું કે, 1985માં રામાપીરના ટેકરે જતો ત્યારે બે ઘરની લાઈનો વચ્ચે ગટરનું પાણી, પીવાના પાણીની વ્યવસ્થા નહીં એવી અવસ્થામાં 50-55 હજારથી વધુ લોકો જીવન વ્યતીત કરતા. નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે ઘરના ઘરની યોજના લઈને આવ્યા. તેમાં સુધારા થતા રહ્યા, આજે જે ઘર મળી રહ્યા છે તે પ્રાઈવેટ એપાર્ટમેન્ટ જેવાં છે. કોંગ્રેસે 90 સુધી રાજ કર્યું, રામાપીરના ટેકરાના મતો મેળવ્યા છતાંય ચિંતા કરી નહીં, ઘર બાંધ્યું નહીં. નરેન્દ્ર મોદીએ ઝૂંપડપટ્ટી સમાપ્ત કરીને એ જ સ્થળે આધુનિક સુવિધાઓ સાથે ઘર આપવાની યોજના શરૂ કરી છે, જેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગળ વધારી રહ્યા છે. 7 જ વર્ષમાં ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં રૂ. 25,000 કરોડના વિકાસકામો થયા છે, ઉપર નરેન્દ્રભાઈ અને નીચે ભૂપેન્દ્રભાઈ છે તેથી અમદાવાદ અને ગુજરાતે કોઈ ચિંતા કરવાની જરૂર નથી-તેમ કહીને અમિત શાહે વિકાસકૂચ અવિરતપણે ચાલુ જ રહેશે તેમ ઉમેર્યું હતું.બે દિવસ પહેલાં અમદાવાદમાં થયેલી ત્રણ કલાકની સમીક્ષા બેઠકનો ઉલ્લેખ કરતાં ગૃહમંત્રી અમિત શાહે ડિસેમ્બર-2029 સુધીમાં ડ્રગ્સમુક્ત ભારતના લક્ષ્યાંક અંગે કહ્યું કે, અમારું લક્ષ્ય તો ગુજરાતને 1લી ડિસેમ્બર-2028 સુધીમાં ડ્રગ્સમુક્ત કરવાનું છે. ટોલ ફ્રી 1033 નંબર આવતા મહિને-1લી ડિસેમ્બરથી શરૂ થશે. જેના પર નાગરિકો, વાલીઓ અને વિશેષતઃ શિક્ષકો સામેથી કૉલ કરી ડ્રગ્સ વેચનારાઓની માહિતી આપે. બાળકો-કિશોરોની વર્તણૂકને જાણીને આસપાસમાં કોઈ ડ્રગ્સનું સેવન કરતું હોય તો તેની જાણ કરે. આ નશો જુવાનિયાઓને અને આવનારી પેઢીને ખોખલી કરવાનું કામ કરે છે. આપણા ભવિષ્યને બરબાદ કરે છે, મગજ અને વિચારવાની ક્ષમતાનો નાશ કરે છે અને એ પૈસાથી આતંકવાદ ફેલાવવાનું કામ થાય છે. નાગરિકો સામેથી માહિતી આપે તે સૌની જવાબદારી છે.
